પંચાંગ ફાડી નાખીને તહેવારોની ઉજવણી બંધ કરો : ઉદ્ધવ ઠાકરે

પંચાંગ ફાડી નાખીને તહેવારોની ઉજવણી બંધ કરો : ઉદ્ધવ ઠાકરે
મુંબઈ, તા.11 : સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેષના પગલે બૉમ્બે હાઇ કોર્ટે પણ મુંબઈ સહિતનાં શહેરોના રહેવાસી વિસ્તારોમાં દિવાળીએ ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે, એ સંદર્ભે આજે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હવે પંચાંગ ફાડી નાખો અને તમામ તહેવારોની ઉજવણી બંધ કરો એવો આદેશ જ આવવાનો બાકી છે. આપણા તહેવારોનું મહત્ત્વ હવે પંચાંગ પૂરતું જ બાકી રહી ગયું છે. શાંતિનો અતિરેક થશે તો એક દિવસ અસંતોષનો વિસ્ફોટ પણ થશે. 
રાજ્ય સરકારને ફટાકડા સંબંધી કોર્ટના આદેશ બાદ વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની વેગીલી પ્રતિક્રિયાઓ આવી રહી છે. હવે ફટાકડા સંબંધે આખરી નિર્ણય રાજ્ય સરકારે કરવાનો છે ત્યારે ભાજપ કેવું વલણ લે છે તેના પર સૌની નજર છે.     
કોલાબા-બાંદરા-સિપ્ઝ વચ્ચેની પ્રસ્તાવિત મેટ્રો-3ના મુદ્દે શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ ચાલુ જ છે. આરે કોલોનીમાં મેટ્રો કાર શૅડના મુદ્દે આજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું આરે કોલોનીની મુલાકાત લઇશ, તપાસ કરીશ અને ત્યાર બાદ આ મુદ્દે વક્તવ્ય આપીશ. જો જંગલની જમીન પર કાર શૅડના કારણે પર્યાવરણને હાનિ પહોંચશે તો શિવસેના વિરોધ કરશે. આજે ઉદ્ધવ ઠાકરે   આઝાદ મેદાન ખાતે આવ્યા હતા અને મેટ્રોના કામનું નિરીક્ષણ કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતમાં તેમની સાથે શિવસેનાના પ્રધાનો, નેતાઓ અને મેટ્રોના ઉચ્ચાધિકારી અશ્વિની ભીડે પણ સાથે હતા.       

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer