ગિરગાંવ ચોપાટી ખાતેનું કબૂતરખાનું તોડી પડાતાં બે ભગવા પક્ષો વચ્ચે ખટરાગ વધશે

ગિરગાંવ ચોપાટી ખાતેનું કબૂતરખાનું તોડી પડાતાં બે ભગવા પક્ષો વચ્ચે ખટરાગ વધશે
અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 11 : ગિરગાંવ ચોપાટીથી વાલકેશ્વર જવાના રસ્તે આવતા કબૂતરખાનાના તોડકામના પગલે પાલિકામાં સત્તાધીશ શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદની શક્યતા છે. લગભગ 15 વર્ષ અગાઉ ભાજપના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાના વિધાનસભ્ય ફંડમાંથી સ્ટીલનું સ્ટ્રક્ચર ધરાવતું આ કબૂતરખાનું  બાંધવામાં આવ્યું હતું અને તેનું નવીનીકરણનું કામ ચાલતું હતું ત્યારે જ જેસીબી મશીન અને હથોડા મારીને આજે આ સ્ટીલનું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવતાં આ કામ શિવસેનાનું હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. 
ગિરગાંવના શિવસેના નેતા પાંડુરંગ સકપાલે આ વિશે કહ્યું હતું કે એ વાત સાચી છે કે આ કબૂતરખાનાનું બાંધકામ ગેરકાયદે હોવાની શિવસેનાની ફરિયાદ હતી, પરંતુ તેનું તોડકામ અમે નથી કર્યું. આ વિસ્તાર હેરિટેજ અને સીઆરઝેડ અંતર્ગત હોવાથી કોઇ પણ પ્રકારના કાયમી બાંધકામ માટે જરૂરી મંજૂરીઓ લેવી પડે છે, એવી કોઇ જ મંજૂરી આ કબૂતરખાના માટે લેવાઇ નથી, એ અમારી ફરિયાદ હતી. પરંતુ તોડકામ તો પાલિકા જ કરી શકે, અમારી પાસે જેસીબી મશીન નથી. આ ઉપરાંત આ તોડકામ વખતે પાલિકાના અને સ્થાનિક વૉર્ડના અધિકારીઓ અને પોલીસ પણ હાજર હતા તેથી શિવસેના પરના આવા આક્ષેપો આધાર વગરના છે. 
`જન્મભૂમિ' સાથેની ટેલિફોનિક વાતચીતમાં વિધાનસભ્ય લોઢાએ કહ્યું હતું કે 15 વર્ષ અગાઉ મારા વિધાનસભ્યના ફંડમાંથી આ કબૂતરખાનાનું બાંધકામ કરાયું હતું અને હાલમાં તેનું પુનર્નિમાણનું કામ ચાલી રહ્યું છે. તેનું તોડકામ કરાયું એ દુ:ખદ છે, પરંતુ કોણે તેનું તોડકામ કર્યું એની મને ખબર નથી. 
અત્રે ઉલ્લેખનીય છે કે મીરા-ભાઈંદર પાલિકાની ચૂંટણી વખતે જૈન મુનિ નયપદ્મસાગરજી મહારાજે ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી અને શિવસેના આ ચૂંટણીમાં હાર્યા બાદ શિવસેનાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે `મની અને મુનિ'ના જોરે મીરા-ભાયંદર પાલિકા કબજે કરી છે. ત્યારથી જ શિવસેના અને ભાજપ વચ્ચે પાલિકાના સ્તરે વિરોધ વધ્યો છે, એમાં હવે કબૂતરખાનાના તોડકામના મુદ્દે બંને પાર્ટીઓ વચ્ચે સ્થાનિક સ્તરે સંઘર્ષના એંધાણ મળી રહ્યા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer