બાંદીપોરામાં થયેલા એન્કાઉન્ટરમાં વાયુદળના બે કમાન્ડો શહીદ

બાંદીપોરામાં થયેલા એન્કાઉન્ટરમાં વાયુદળના બે કમાન્ડો શહીદ
કાશ્મીરમાં લશ્કરે-તોયબાના બે આતંકવાદી ઠાર

નવી દિલ્હી, તા. 11 : ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના હાજીનક્ષેત્રમાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ઘર્ષણમાં ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના બે આતંકવાદી ઠાર મરાયા હતા. જો કે, આપણા દેશને બે જવાન પણ ખોવા પડયા હતા.

તોયબાના અલીભાઇ અને નસરુલ્લાહ મીર નામે ઓળખાયેલા બે આતંકીને સેનાએ ફૂંકી માર્યા હતા, તો આ મુઠભેડમાં ભારતીય વાયુદળના ગરુડા ફોર્સના સાર્જન્ટ મિલિંદ કિશોર અને નીલેશકુમાર નાયર શહીદ થયા હતા.

હાજીનના રાખક્ષેત્રમાં આઠ આતંકીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળતાં આ વિસ્તારને ઘેરનાર કાશ્મીરના એસઓજી તેમજ સૈન્યની સંયુક્ત ટીમ પર આતંકવાદીઓએ  અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેવું સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું. 

છુપાઇ બેઠેલા આતંકવાદીઓએ આજે વહેલી સવારે ગોળીબાર કર્યો હતો, જેમાં આપણા વાયુદળના બે સૈનિક શહીદ થઇ ગયા હતા. 

ભારતીય સેનાએ જડબાંતોડ જવાબ આપતાં કરેલા વળતા પ્રહારમાં લશ્કર-એ-તોયબાના બે આતંકવાદી ઠાર મરાયા હતા. સીઆરપીએફ સેનાની 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજીની સંયુક્ત ટીમોએ હાથ ધરેલી કાર્યવાહીમાં બે તોયબા આતંકીને ફૂંકી મારતાં મોટી સફળતા મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે મંગળવારે પણ કાશ્મીરના સનતનગરક્ષેત્રમાં આતંક- વાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં એક આતંકી ઘાયલ થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer