વિકાસદરને વેગ આપવા 10 સેક્ટર્સની પસંદગી

વિકાસદરને વેગ આપવા 10 સેક્ટર્સની પસંદગી
આર્થિક સલાહકાર સમિતિએ ઘડી  કાઢી રૂપરેખા

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા 11 : વડા પ્રધાનની નવી રચાયેલી ઇકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલે (આર્થિક સલાહકાર સમિતિ) નીતિ આયોગના સભ્ય ડૉ. વિવેક દેબ્રોયની અધ્યક્ષતા હેઠળ તેની પ્રથમ બેઠક આજે યોજી હતી, જેમાં આગામી છ મહિનાઓમાં આર્થિક વિકાસ અને રોજગારને વેગ આપવા માટેની મુખ્ય પ્રાથમિકતાઓ ઓળખી કાઢવામાં આવી હતી અને વર્તમાન આર્થિક અને નાણાકીય વાતાવરણનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો તેમ જ જેના પર વધુ ધ્યાન આપવું જરૂરી છે તે બાબતોને ઓળખી કાઢવામાં આવી હતી.

સરકાર તેની નાણાકીય દ્રઢીકરણની રૂપરેખાને વળગી રહે એવું સમિતિ ઇચ્છે છે અને તેણે એવું સૂચન પણ કર્યું છે કે નાણાકીય દૂરંદેશીપણા કે ડહાપણના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું ન જોઇએ. જે દસ બાબતોને ઓળખી કાઢવામાં આવી હતી તેમાં આર્થિક વિકાસ, રોજગારી અને રોજગારીની તકો ઊભી કરવી, બિનસત્તાવાર ક્ષેત્રો અને એકીકરણ, નાણાકીય ફ્રેમવર્ક, નાણાનીતિ, જાહેર ખર્ચ, આર્થિક વહીવટની સંસ્થાઓ, કૃષિ અને પશુપાલન, વપરાશ અને ઉત્પાદનની શૈલી તથા સામાજિક ક્ષેત્રનો સમાવેશ થતો હતો.

ઘટતા જીડીપીથી ઊભી થયેલી ચિંતાની પાશ્ચાદ્ભૂમિકામાં આજની બેઠક યોજાઇ હતી. જૂન ત્રિમાસિકમાં જીડીપીમાં આવેલા ઘટાડાથી ગ્રાહક માગ ઓછી થવા સંબંધમાં ચિંતા વ્યાપી હતી.

બેઠક બાદ કાઉન્સિલના ચૅરમૅન વિવેક દેબ્રોયે જણાવ્યું હતું કે આર્થિક સમસ્યાઓને ઉકેલવા અમલી બની શકે એવા ઉકેલો અમે શોધીશું અને વડા પ્રધાન સમક્ષ તેની રજૂઆત કરીશું. નાણાકીય નીતિની રૂપરેખા સંબંધમાં મુદ્દાઓની વિચારણા કરતી વખતે કાઉન્સિલ આરબીઆઇ અને મોનેટરી પૉલિસી કમિટી પાસેથી માર્ગદર્શન માગશે.

દેબ્રોએ જણાવ્યું હતું કે વપરાશ અને ઉત્પાદન તેમ જ સામજિક ક્ષેત્રની શૈલીઓ પર કાઉન્સિલ કામ કરશે. જાણીતા અર્થશાત્રીઓ અને નિષ્ણાતો ધરાવતી પાંચ સભ્યોની આ સમિતિની વડા પ્રધાને ગયા મહિને રચના કરી હતી. ભારતના અર્થતંત્રને ઉગારવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer