કાળી-પીળી માટે ‘હેપ્પી અવર્સ’ ભાડું સૂચવતી ખટુઆ કમિટી

મુંબઈ, તા. 12 : ધસારો ન હોય તેવા સમયે કાળી-પીળી ટૅક્સી અને રિક્ષાનો પ્રવાસ 15 ટકાથી 20 ટકા જેટલો સસ્તો થઈ શકે છે. રાજ્ય સરકારે નિયુક્ત કરેલી બી. સી. ખટુઆ કમિટીએ એવું સૂચન કર્યું છે કે કાળી-પીળી ટૅક્સી, રિક્ષા અથવા ઓલા-ઉબર જેવી ઓનલાઈન કેબમાં પ્રવાસ કરનારાઓને બપોરે 12થી 4 વચ્ચે ભાડામાં વળતર આપવું જોઈએ.
નોન-પીક અવર્સમાં પ્રવાસી ભાડાં ઘટાડવાનો અને પીક અવર્સનો ટ્રાફિક ઘટાડવા રજૂ કરવામાં આવેલો આ સર્વપ્રથમ સરકારી પ્રયાસ છે. બીજી બાજુ ટૅક્સી ડ્રાઈવરોએ નોન-પીક અવર્સમાં ઠાલા બેસી રહેવું પડતું હોય છે જે ડ્રાઈવરો તેમ જ પ્રવાસીઓ બંને માટે ફાયદાકારક બાબત બની રહેશે.
આ ઉપરાંત બપોરના સમયમાં પણ થોડો પીક અવર્સનો લોડ શિફ્ટ થશે. સમિતિએ તેનો અહેવાલ આ સપ્તાહે રાજ્ય સરકારને સોંપ્યો હોઈ તેણે ઍપ આધારીત કેબ્સ સાથે સ્પર્ધા કરવામાં મદદરૂપ થઈ શકે તે માટે કાળી-પીળી ટૅક્સીઓના લાંબા અંતરના ભાડામાં પણ ડિસ્કાઉન્ટ આપવાની સલાહ આપી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer