ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ વિરુદ્ધ દિલ્હીના વેપારીઓ સુપ્રીમ કોર્ટમાં

નવી દિલ્હી, તા. 12 : દિલ્હી-એનસીઆરમાં 31 અૉક્ટોબર સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના ફેંસલામાં બદલાવ કરાય તે હેતુસર આતશબાજીનાં સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેના પર શુક્રવારે સુનાવણી થવાની સંભાવના છે.
આ સંગઠનોએ દલીલ એ કરી છે કે સુપ્રીમ કોર્ટના 12 સપ્ટેમ્બરના ચુકાદા બાદ તેઓના પરવાના નક્કામાં જેવા થઈ પડયા હતા. તે પહેલાં દિવાળીના તહેવાર નિમિત્તે તેઓએ ફટાકડાની ખરીદી કરી હતી, જેમાં મોટું રોકાણ કરાયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ ફટાકડાનો લગભગ એક હજાર કરોડ રૂપિયાનો કારોબાર રહ્યો છે. અત્યાર સુધી 10 ટકા (હિસ્સો) જેટલા જ ફટાકડાનું વેચાણ થયું છે. 50 ટકાનું બુકિંગ થયું હતું જે અદાલતના ચુકાદા પછી ‘કૅન્સલ’ થઈ ગયું છે.
અદાલતના ચુકાદા પછી દિલ્હીના ફટાકડા બજારમાં સન્નાટો ફેલાઈ ગયો છે. કેટલીય દુકાનોને તાળાં લાગી ગયાં છે. આ આદેશને કારણે મોટું નુકસાન થયાનું મનાય છે. ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આશ્વાસન આપ્યું છે કે ફટાકડાનાં સંગઠનોની અપીલ પર તુરતમાં સુનાવણી થાય તે માટે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકનારી બેન્ચના ન્યાયાધીશો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટે 9મી અૉક્ટોબરે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકતો આદેશ આપ્યો હતો. પહેલી નવેમ્બરથી કેટલીક શરતોના આધીન ફટાકડાનું વેચાણ કરવાની પરવાનગી રહેશે.
દિલ્હી ફાયર એસોસિયેશનના જણાવ્યા મુજબ 12મી સપ્ટે.ના સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ફટાકડાના 500 મોટા વેપારીઓ જે ફટાકડાનો જૂનો સ્ટોક ધરાવે છે તેઓ તેને વેચી શકે છે. 9 અૉક્ટોબરે ફટાકડા પર વેચાણના પ્રતિબંધ લાદવાના આદેશે વેપારીઓ સકંજામાં આવી ગયા. એસોસિયેશનના અમિત જૈનના જણાવ્યા મુજબ દિલ્હી એનસીઆર સહિતના પાંચ હજાર નાના વેપારીઓએ આ 500 વેપારીઓ પાસે 50 ટકા ફટાકડાનું બુકિંગ કર્યું હતું. હવે મોટા ભાગના આ બુકિંગ ‘કૅન્સલ’ કરાવી રહ્યા છે, પણ મોટા વેપારીઓ પાસે નાણાં પરત કરવા માટે પૈસા નથી. આથી 70 ટકા ફટાકડાના જથ્થાની કિંમત-ભાવ ઘટી જશે એમ તેઓ દલીલ કરે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer