રેલવે સ્ટેશન પર ગિરદી માપવા કૅમેરા મુકાશે

રેલવે સ્ટેશન પર ગિરદી માપવા કૅમેરા મુકાશે
મુંબઈ, તા. 12 : રેલવે સ્ટેશનોના પ્લેટફૉર્મ અને પાદચારી પુલોની ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ ત્યાં ભેગા થાય તો તેની માહિતી આપવાની સાથે સતર્ક કરનારા અત્યાધુનિક ટૅક્નોલૉજીવાળા વીડિયો એનાલિટીક્સ ‘કૅમેરા તમામ સ્ટેશનોમાં બેસાડવાનો પશ્ચિમ રેલવેએ નિર્ણય લીધો છે. આ મંત્રણા દ્વારા રેલવે કંટ્રોલ રૂમને ગિર્દીની ત્વરિત માહિતી મળશે અને તેથી તેનું નિયોજન કરવાનું રેલવેને સરળ બનશે.
આના કારણે એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન જેવી દુર્ઘટના ભવિષ્યમાં નિવારી શકાશે. પશ્ચિમ રેલવે દ્વારા સ્ટેશનોની તપાસાર્થે નીમાયેલી સમિતિએ કેટલાક સૂચનો કર્યા હોઈ તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિએ કરેલી ભલામણોને પગલે ‘વીડિયો એનાલિટીક્સ કૅમેરા’ બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉપનગરના રેલવે સ્ટેશનો પર સવારે અને સાંજે ધસારાના સમયે પ્લેટફૉર્મ તેમ જ પાદચારી પુલો પર ગિર્દીને કારણે ચાલવું સુધ્ધાં અશક્ય બને છે. આવું થાય ત્યારે તેનો અંદાજ લગાડી મંત્રણાને સતર્ક કરતું સોફ્ટવેર ધરાવનારા સીસીટીવી કૅમેરા બેસાડવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ લીધો છે.
મધ્ય રેલવેએ સીએસએમટી, કુર્લા ટર્મિનસ તેમ જ કલ્યાણ જેવા કેટલાક સ્ટેશનોમાં અત્યાધુનિક સીસીટીવી કૅમેરા મૂક્યા છે જેને લીધે ચોરોને પકડવામાં મદદ થાય છે. એલ્ફિન્સ્ટન રોડની દુર્ઘટના બાબતે નીમાયેલી પાંચ સભ્યોની સમિતિએ આવા આધુનિક કૅમેરા મૂકવા ભલામણ કરી હોઈ તેમાં શંકાસ્પદ વસ્તુ-વ્યક્તિ તરફ ધ્યાન દોરવામાં આવે છે અને સોફ્ટવેરને આધારે તેની માહિતી કંટ્રોલ રૂમને પહોંચાડાય છે.
રેલવે સ્ટેશનોમાં ઉપલબ્ધ કર્મચારીઓ મારફત તાત્કાલિક વધારાની મદદ મળવા પર આ પ્રકારની મંત્રણા પ્રભાવશાળી ઠરશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer