અમેરિકાના ફુગાવાની રાહે સોનામાં મજબૂત સ્થિતિ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : ડૉલરની નબળાઇ વચ્ચે સોનાનો ભાવ બે અઠવાડિયાંની ઉંચાઇ પર રનિંગ હતો. અમેરિકાના ફુગાવાના આંકડાઓની જાહેરાત શુક્રવારે થવાની છે એ પૂર્વે સોનામાં સુસ્તી હતી. ફુગાવો આગામી વ્યાજદરના વધારાના નિર્ણય માટે મહત્ત્વનો બનશે. સોનું સતત પાંચમા સેશનમાં વધતું રહેતા પ્રતિ ઔંસ 1295 ડૉલર હતું. ફોરેક્સ ડોટ કોમના વિશ્લેષક કહે છે, જો ફુગાવો અપેક્ષા કરતાં વધારે કે અપેક્ષા જેટલો વધીને આવે તો ડૉલરમાં મોટો ઉછાળો આવી શકે છે.
ગઇકાલે ફેડની મિનટ્સ જાહેર થઇ હતી. એમાં પણ ફુગાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફુગાવો વધે તો જ ફેડ વ્યાજદર વધારશે એવો ઇશારો એમાંથી મળ્યો હતો. નબળો ડૉલર અને કોરિયા-અમેરિકા-સ્પેનની રાજકીય સ્થિતિને લીધે સોનાના ભાવ ઘટતા અટકીને સુધર્યા છે. જોકે, ડૉલરની નબળાઇનું કારણ પણ હવે ઉમેરાયું છે. નવા અઠવાડિયામાં સોનું કદાચ 1300 ડૉલરની સપાટી વટાવી જાય એવી શક્યતા છે. ચાર્ટની રીતે 1300 વટાવાતા 1315નો ભાવ આવશે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 50 વધીને રૂા. 30,700 હતું. મુંબઇ સોનું રૂા. 100ના સુધારામાં રૂા. 29,945 હતું. ચાંદી ન્યૂ યૉર્કમાં 17.20 ડૉલર હતી. સ્થાનિકમાં એક કિલોએ રૂા. 40,500 જળવાયેલી હતી. મુંબઇમાં રૂા. 90 વધી રૂા. 39,940 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer