સબસિડીનો લાભ લેવા નાશિકના કાંદાના વેપારીઓએ ખોટાં નિકાસનાં બિલ જમા કર્યાં

આઈટીની તપાસમાં ખુલાસો
નાશિક, તા.12 : નાશિકના કાંદાના સાત અગ્રણી વેપારીઓએ કેન્દ્ર સરકારની પાંચ ટકા સબસિડી સ્કીમનો ગેરલાભ લેવા માટે ખોટા નિકાસના બિલ આપ્યા હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે.
આવકવેરા વિભાગે સાત વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી નાશિકના મુખ્ય વેપારીઓ- ઓમપ્રકાશ રાંકા, કાંતિલાલ સુરાના, સોહન શેઠ બાંધ પર ચાપતી નજર રાખવામાં આવી હતી.
આ વેપારીઓનું બિલિંગ અને હિસાબના ચોપડા જોતા સમજાયું હતું કે તેઓ વધુ સબસિડી મેળવવા માટે ખોટા તેમ જ વધારે કિંમતના બિલ બનાવી રહ્યા હતા. નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ કાંદાની નિકાસ પર પાંચ ટકા સબસિડી અૉફર કરી છે, જેથી વધારાના સ્ટોકનું દેશની બહાર વેચાણ થાય અને સ્થાનિકમાં કાંદાના ભાવ સ્થિર રહે. 
છેલ્લા છ મહિનાથી અમે આ વેપારીઓના કામકાજ અને વ્યવહારો પર ચાપતી નજર રાખી રહ્યા છીએ. તેમના બિલમાં દર્શાવવામાં આવ્યું છે કે અખાતના દેશોમાં અને મલેશિયામાં કાંદાની નિકાસ કરવામાં આવી છે. જોકે, વાસ્તવિકમાં એકેય સ્થળે નિકાસ થઈ નહોતી. આ વ્યવહારો ફક્ત કાગળ ઉપર જ હતા. ઉપરાંત કન્ટેનરની ક્ષમતા 22 ટનની હોવા છતાં બિલમાં દરેક કન્ટેનરમાં 27 ટન કાંદા દર્શાવવામાં આવ્યા છે. આ વેપારીઓએ પાંચ ટન વધુ સબસિડી લેવાની સાથે ભારતમાં પૈસા બનાવવાનો એક માર્ગ પણ બનાવી દીધો છે. આ રીતે કામકાજ બંને બાજુએ ચાલતું હોવાનું એક અધિકારીએ પોતાની ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું. 
વર્ષ 2016-17માં ભારતમાં સૌથી વધુ 35 લાખ મેટ્રિક ટન કાંદાની આયાત કરવામાં આવી હતી. કાંદાના ભાવમાં સ્થિરતા લાવવા માટે કેન્દ્ર સરકારે ટેકાના ભાવ રજૂ કર્યા હતા. પરિસ્થિતિના હિસાબે આ ટેકાના ભાવમાં ફેરફાર થતો હતો. 
આવક વેરા વિભાગે વધુમાં જણાવ્યું કે, આ વેપારીઓ કાર્ટેલ (અનૈતિક સંગઠન) કામ કરતા હતા. કાંદાના બજારમાં તેઓ અગ્રણી વેપારીઓ છે અને ભાવ નક્કી કરવામાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવતા હતા. આ વેપારીઓની તપાસ કરતા જણાયું કે તેમના વેપાર સોદા ગૂંચવણભર્યા અને શંકાશીલ છે. તેથી વધુ તપાસ કરવા માટે અમે ઈનફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ને આ કેસ સોંપ્યો છે. ઈડીની તપાસ પૂર્ણ થતા આ બાબતે વધુ પ્રકાશ પડશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer