ટીસીએસનો ચોખ્ખો નફો 8.4 ટકા વધી રૂા. 6446 કરોડ થયો

પ્રતિ શૅર રૂા. 7ના ડિવિડન્ડની જાહેરાત
મુંબઈ, તા.12 : દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસીસ નિકાસકાર કંપની તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)નો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં વેપારમાં વૃદ્ધિ થતા ચોખ્ખો નફો 8.4 ટકા વધીને રૂા.6446 કરોડ થયો છે. 
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો રૂા.5945 કરોડનો હતો. કંપનીએ પ્રતિ શૅર રૂા.7ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આવક 3.2 ટકા વધી રૂા.30,541 કરોડ થઈ છે. ડિજિટલ સર્વિસીસમાં વૃદ્ધિ થતા વેપાર વધ્યા હોવાનું કંપનીએ જણાવ્યું હતું. કંપનીની આવકમાં પાંચમો ભાગ ડિજિટલ સર્વિસીસનો છે. 
બીજા ત્રિમાસિકમાં વિવિધ ઉદ્યોગો દ્વારા માગ વધતા વોલ્યુમમાં વૃદ્ધિ થઈ હતી. મોટા સોદાઓ અને રિટેલ ક્ષેત્રમાં કંપનીની પરિસ્થિતિ સુધરી હોવાનું ટીસીએસના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, `િડજિટલ ખર્ચ'માં કંપની વૃદ્ધિ કરતી રહેશે. વૃદ્ધિ માટે અમે રોકાણ કરતા રહેશું. ડિજિટલ ડિઝાઈન અને પરિવર્તન ક્ષમતામાં સતત રોકાણ કરતા પરિણામ સ્વરૂપ ડિજિટલ વેપારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 
કંપનીની ડિજિટલ આવક વાર્ષિક ધોરણે 31 ટકા વધી હતી અને તે કુલ આવકમાં 19.7 ટકા ધરાવે છે. આ ગાળામાં કંપનીએ 15,868 કર્મચારીઓ અને 3,404 લોકોને ઉમેર્યા છે. વિદેશમાં કંપનીએ 3,725 લોકોને રોજગાર આપતા વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છમાસિકમાં આ આંકડો કુલ 6,979 પર પહોંચ્યો છે. બૅન્કિંગ અને નાણાકીય સર્વિસીસ તેમ જ રિટેલમાં વેપાર મંદ રહ્યા હોવાનું કંપનીએ જણાવ્યું હતું. 
કંપનીનો ઈબિટા 25.1 ટકા પર સ્થિર રહ્યો હતો. લોઈડ્સ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય સોદા કરતા કંપનીની આવક વધી હતી. યુરોપના બજારમાં માગ વધતા કંપનીની ડિજિટલ આવકમાં વધારો થવાની શક્યતા છે. 
નાણાકીય પરિણામોની જાહેરાત બાદ ટીસીએસનો શૅર બે ટકા જેટલો વધ્યો હતો. બીએસઈમાં શૅર 1.92 ટકા વધી રૂા.2,548.55 પર બંધ રહ્યો હતો, દિવસ દરમિયાન 2.17 ટકા વધીને રૂા.2,555ને સ્પર્શયો હતો. જ્યારે એનએસઈમાં કંપનીનો શૅર 1.91 ટકા વધી રૂા.2548.20 પર બંધ રહ્યો હતો. તેમ જ કંપનીનું બજાર મૂલ્ય રૂા.9,198.76 કરોડ વધીને રૂા.4,87,865.76 કરોડ રહ્યું હતું. ઈક્વિટી વોલ્યુમની દૃષ્ટિએ બીએસઈમાં આજે 1.87 લાખ શૅરનું અને એનએસઈમાં 25 લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer