કોર્ટના પ્રતિબંધના પગલે ફટાકડા વેપારીઓએ ઉદ્ધવ ઠાકરે સમક્ષ મુશ્કેલીઓ વર્ણવી

મુંબઈ, તા. 12 : સુપ્રીમ કોર્ટના આદેશના પગલે બૉમ્બે હાઇ કોર્ટે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં રહેવાસી વિસ્તારોમાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ મૂકતા ફટાકડાના વેપારીઓ આજે માતોશ્રીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. ફટાકડાના વેપારીઓએ પ્રતિબંધ બાદ પોતાની મુશ્કેલીઓ અંગે ઠાકરે સાથે વાતચીત કરી હતી. ફટાકડાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે કોર્ટે આદેશ આપ્યા બાદ મુંબઈ અને નવી મુંબઈ તેમ જ થાણે પાલિકાએ સક્રિયતા દાખવીને ફટાકડાની દુકાનો બંધ કરાવવાનું ચાલુ કરતા દિવાળીના ટાંકણે જ તેમની રોજીરોટી છીનવાઇ ગઇ છે. 
ઠાકરેએ આ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું કે કોર્ટના આદેશનો અભ્યાસ કરીને તેમાંથી માર્ગ કાઢવાનો પ્રયાસ કરાશે. શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે કહ્યું હતું કે કમોસમી વરસાદ અને હવામાનમાં ફેરફારો સહિતની સમસ્યાઓ પ્રદૂષણનું જ પરિણામ છે. પ્રદૂષણ ફેલાતું અટકાવવું એ પર્યાવરણ વિભાગનું કામ છે. હું રાજ્યમાં આ અંગે જનજાગૃતિ અભિયાન છેડીશ. 
જોકે ઉદ્ધવ ઠાકરેએ ફટાકડાના વેપારીઓને માર્ગ કાઢવાનું આશ્વાસન આપ્યું છે, તેથી તેઓ અમારા વતી સરકાર સમક્ષ રજૂઆત કરશે એવું વેપારીઓએ કહ્યું હતું.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer