કૃષિલક્ષી યોજનાઓનો પ્રત્યક્ષ લાભ ખેડૂતોને મળે એ માટે ભાજપ પ્રયત્નશીલ

ભાજપશાસિત રાજ્યોના કૃષિપ્રધાનોની બેઠક મળી
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 12 : ભાજપે મોદી સરકાર દ્વારા આમજનતા અને ખાસ કરીને ખેડૂતો માટે જાહેર કરાયેલી યોજનાઓનો લાભ જમીની સ્તરે નહીં પહોંચ્યો હોવાથી ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના કૃષિપ્રધાનોને આ સંબંધમાં વ્યક્તિગત રીતે ધ્યાન આપવાની સૂચના આપી છે.
ભાજપના અહીંના મુખ્યાલયમાં આજે ખાસ કરીને 2018માં જે રાજ્યોની ચૂંટણી થવાની છે તે રાજ્યોના કૃષિપ્રધાનોની બેઠક બોલાવવામાં આવી હતી જેને કેન્દ્રના કૃષિપ્રધાન રાધામોહન સિંહ અને પક્ષના મહાસચિવ મુરલીધર રાવે માર્ગદર્શન આપ્યું હતું.
આજની બેઠકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના કૃષિપ્રધાનોની હાજરી અપેક્ષિત હતી.
ભાજપશાસિત એક રાજ્યના કૃષિપ્રધાને જણાવ્યા પ્રમાણે પ્રધાન મંત્રી કૃષિ ફસલ બિમા યોજના, મૃદુ સ્વાસ્થ્ય કાર્ડ જેવી ખેડૂત સંબંધિત યોજનાઓ સરકારે શરૂ કરી છે, પરંતુ જમીની સ્તરે ખેડૂતોને આ યોજનાઓનો લાભ મળતો નથી. યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારીનો અભાવ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. ભાજપના કિસાન મોરચાને આ કાર્ય સોંપવામાં આવ્યું હતું.
ભાજપના કેન્દ્રીય નેતૃત્વે કૃષિપ્રધાન રાધામોહન સિંહને આ બાબતમાં વ્યક્તિગત રીતે ધ્યાન આપવાનું જણાવ્યું છે અને આજે આ સંદર્ભમાં કૃષિપ્રધાનોની બેઠક બોલાવવામાં આવી હતી.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer