રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જમીન-સ્થાયી મિલકતોને જીએસટી હેઠળ આવરી લેવા ગંભીર વિચારણા

જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ મુદ્દો હાથ ધરાશે : જેટલી
વૉશિંગ્ટન, તા. 12 (પીટીઆઈ) : સૌથી વધારે માત્રામાં કરચોરી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થતી હોવાથી તેને જીઅસેટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) પ્રણાલી હેઠળ સામેલ કરવાનો ગંભીર વિચાર સરકાર કરી રહી હોવાનું નાણાપ્રધાન અરુણ જેટલીએ અહીં જણાવ્યું છે.
9મી નવેમ્બરે જીએસટી કાઉન્સિલની મળનારી આગામી બેઠકમાં આ વિષયે ચર્ચા કરવામાં આવશે, એમ જેટલીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું.
ભારતમાં એક ક્ષેત્ર છે જેમાં સૌથી વધારે કરચોરી થાય છે અને સૌથી વધુ રોકડનો વ્યવહાર થાય છે અને તે ક્ષેત્ર છે રિયલ એસ્ટેટ, અને તે હજી જીએસટી વ્યવસ્થાની બહાર છે. અનેક રાજ્યો રિયલ એસ્ટેટ ક્ષેત્રને જીએસટી હેઠળ આવરી લેવા માટે સલાહ કરી રહ્યા છે. મારું અંગત રીતે માનવું છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રને જીએસટી હેઠળ સામેલ કરવા માટેનું આ નક્કર કારણ છે, એમ જેટલીએ જણાવ્યું હતું.
આવતી બેઠકમાં જ અમે આ વિષયને આવરી લેવાનો અથવા કમસે કમ ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવશે. અમુક રાજ્યો આ બાબતે સહમત છે. જ્યારે કેટલાંક રાજ્યો તેનો વિરોધ કરી રહ્યા છે. તેથી ચર્ચા વડે અમે એક નવા મંતવ્ય તરફ આગળ વધીશું એમ તેમણે ઉમેર્યું હતું.
જો રિયલ એસ્ટેટ ક્ષેત્રને જીએસટી હેઠળ આવરી લેવામાં આવશે તો તેનો લાભ ગ્રાહકોને થશે કારણકે તેણે એક જ અંતિમ ટૅક્સ ભરવો પડશે. તે કારણે અંતિમ ટૅક્સની રકમ જીએસટી હેઠળ અત્યંત ઓછી રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. અત્યારે કૉમ્પલેક્સ નિવાસી બિલ્ડિંગ, જાહેર બાંધકામ ઉપર ગ્રાહકોને બાંધકામ ખર્ચ ઉપર 12 ટકા જીએસટી ચૂકવવો પડે છે. જોકે, જમીન અને અન્ય સ્થાયી મિલકતોને જીએસટીમાંથી બાદ રાખવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer