ચૂંટણીની તારીખોની જાહેરાતમાં ગુજરાતની બાદબાકી

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : ``ગુજરાતમાં મતદાન 18 ડિસેમ્બરના (હિમાચલમાં મતગણતરીના દિવસે) થશે એટલે હિમાચલનાં પરિણામોની ગુજરાતના મતદાન પર કોઈ અસર થશે નહીં. અમે ટૂંકમાં ગુજરાત માટેની તારીખોની જાહેરાત કરશું, પરંતુ હું ચોક્કસપણે એમ કહું છું કે, 18 ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે.'' એમ જોતીએ વધુમાં જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશની તમામ બેઠકો પર વીવીપીએટી મશીનોનો ઉપયોગ કરાશે જેને કારણે મતદાતા એ વાત જાણી શકશે કે તેણે કઈ પાર્ટી, કયા પ્રતીક અને ઉમેદવારને મત આપ્યો છે.
દરમિયાન, કૉંગ્રેસે ગુરુવારે એવો આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં ચૂંટણીમાં વિલંબ કરવા મોદી સરકારે ચૂંટણી પંચ પર દબાણ કર્યું છે. આવા કપટની ગંધ આવી જતાં કૉંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને આવાં કાવતરાંનો આક્ષેપ કર્યો હતો.
સૂરજેવાલાએ એવો દાવો કર્યો હતો કે, મોદીજી 16 અૉક્ટોબરના ગુજરાતમાં રૅલીને સંબોધવાના હોવાથી રાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. ગુજરાતની તારીખો જાહેર કરીને તરત જ આચારસંહિતા લાગુ પાડવાનું હવે ચૂંટણી પંચના હાથમાં છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અમારા અમદાવાદના પ્રતિનિધિ વિક્રમ સોની ઉમેરે છે કે ભારતના ચૂંટણી પંચે આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જોકે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી નથી. આજે પીઆઇબીની જાહેરાત પ્રમાણે ચૂંટણી પંચ ગુજરાતની પણ તારીખો જાહેર કરનાર હતું પણ ચૂંટણી પંચે માત્ર હિમાચલ પ્રદેશની જ જાહેરાત કરી છે.
આ બાબતે એવું જાણવા મળે છે કે આવતા સપ્તાહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે અને કેટલાક  લોકાર્પણ અને ખાત્મુહૂર્તના કાર્યક્રમો છે. તેમ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ પણ ગુજરાત મુલાકાતે આવનાર હોય ગૌરવયાત્રાનું સમાપન, પેજ પ્રમુખોનું મહા સંમેલન, સુષ્મા સ્વરાજનો ટાઉનહોલ કાર્યક્રમ વગેરે કાર્યક્રમો હોવાથી ચૂંટણી પંચે ગુજરાત વિધાન સભાની તારીખોની જાહેરાત કરવાનું બાકી રાખ્યું છે નહી તો તારીખોની સાથે આચારસંહિતા પણ લાગુ પડી જાય તો વડા પ્રધાને જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે તે બાકી રહી જાય તેમ હોવાથી ગુજરાતની ચૂંટણી અંગેની તારીખોની જાહેરાતો કરી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer