નાપાક ગોળીબારમાં એક જવાન શહીદ, એક નાગરિકનું મોત

જમ્મુ, તા. 12 (પીટીઆઈ) : ફરી આતંકવાદ જેવું જ અધમ કૃત્ય આચરતાં પાકિસ્તાને કરેલા નાપાક ગોળીબારમાં ગુરુવારે કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશરેખા પર ભારતનો એક સૈનિક શહીદ થયો હતો, તો એક નાગરિકે જીવ ખોયો હતો. અંકુશરેખાએ આજે સવારે 10 અને 35 મિનિટે ક્રિષ્નાઘાટી ક્ષેત્રમાં પાકિસ્તાની સેનાએ ઉશ્કેરણી વિના નાના અને સ્વયંસંચાલિત હથિયારોથી આડેધડ ગોળીબાર કરીને યુદ્ધવિરામ ભંગ કર્યો હતો તેવું સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું.
દિવસભર ચાલેલા ગોળીબારમાં ભારતીય સેનાએ પણ જડબાંતોડ જવાબ આપતાં મજબૂત અને અસરકારક રીતે વળતા પ્રહાર કર્યા હતા તેવું તેમણે જણાવ્યું હતું.
આ નાપાક ગોળીબાર દરમ્યાન બહાદુરીપૂર્વક પાકિસ્તાની સામે લડતાં લડતાં આપણા દેશનો એક જવાન શહીદ થઈ ગયો હતો, તો એક નાગરિક શ્રમજીવીનું પણ મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન લગાતાર યુદ્ધવિરામ ભંગ કરીને ભારતીય સેનાની સીમા ચોકીઓ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી સીમાવર્તી ગામોના રહેણાક વિસ્તારો પર પણ નિશાન સાધતું રહ્યું છે. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer