દિવાળી પહેલાં ગુજરાત સરકારની સહાયની આતશબાજી

ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ નીતિન પટેલે તાબડતોબ કરી અનેક જાહેરાતો
અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીનગર, તા. 12 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારીમાં છે તે પહેલાં જ આજે નાયબ  મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે તાબડતોબ સરકારી સહાયોની ઢગલાબંધ જાહેરાતો કરી દીધી હતી. આજે જાહેર થયેલી સહાયમાં ફીક્સ વેતનના વિદ્યુત સહાયકો અને વર્ગ-4ના કર્મચારીઓને વધારે લાભ મળે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં એસ.પી.રીંગ રોડ પર ટોલ ટેક્સ વસુલાતો હતો તે હવે પેસેન્જર રિક્ષા અને કાર જેવા નાનાં વાહનોએ નહીં ભરવો પડે તેવી અગત્યની જાહેરાત પણ કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવા આડે હજી પાંચ-છ દિવસ બાકી હોવાનું કહેવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર બીજી અનેક જાહેરાતો કરે તેવી સંભાવના પણ છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે આજે જે જાહેરાતો કરી તેમાં મહાનગર પાલિકા અને નગર પાલિકામાં ફરજ બજાવતા સફાઇ કામદારનું ફરજ દરમિયાન મૃત્યુ થાય, અથવા બિમાર-અશક્ત બને તો તેવા સંજોગોમાં વારસદારોને જીવન નિર્વાહ માટે તકલીફ ન પડે તે માટે રહેમરાહે નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer