રવિવારથી ઓવરટાઈમ આંદોલનની ધમકીને લીધે મધ્ય રેલવેના વ્યવહાર પર અસરનું જોખમ

સિગ્નલ તોડવા બદલ 13 મોટરમૅનોને નોકરીમાંથી છૂટા કરવાની તૈયારી
કેતન જાની તરફથી
મુંબઈ, તા.12 : રેલવે વહીવટી તંત્રએ મધ્ય રેલવેની લોકલ ટ્રેનના 13 મોટરમૅનોને સિગ્નલ તોડવા જેવી ગેરશિસ્ત માટે નોકરીમાંથી છૂટા કરવાની હિલચાલ સામે રેલ કામગાર સેનાએ આંદોલન કરવાની ધમકી ઉચ્ચારી છે. તેના કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેનોના વ્યવહાર ઉપર રવિવારથી અસર પડે એવી શક્યતા છે.
રેલ કામગાર સેનાએ 13 મોટરમૅનોને નોકરીમાંથી છૂટા કરવાની હિલચાલ સામે આંદોલનરૂપે ઓવરટાઈમ બંધ કરવાની હાકલ કરી છે. મધ્ય રેલવેના લોકલ ટ્રેનના નેટવર્કમાં દરરોજ 1600 જેટલી ફેરી થાય છે.
મુંબઈના લોકલ ટ્રેનવર્કને દેશના અન્ય ઝોન અને હિસ્સાની તુલનામાં અતિ મહત્ત્વનું માનવામાં આવે છે. તેનું કારણ નેટવર્કમાં પ્રત્યેક ત્રણથી ચાર મિનિટે એક ટ્રેન દોડાવવામાં આવે છે. તેથી પ્રવાસીઓની ભીડ અને સમયપાલનનું ખાસ મહત્ત્વ હોય છે.
રેલ કામગાર સેનાના આશુતોષ શુકલાએ જણાવ્યું હતું કે 13 મોટરમૅન વિરુદ્ધ `િસગ્નલ પાસિંગ એટ ડેન્જર-સ્પાડા' હેઠળ ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. તે પ્રક્રિયા પૂરી થઈ હોવાથી ટૂંક સમયમાં તેઓને રેલવેની સેવામાંથી છૂટા કરાશે. ગ્રીન સિગ્નલ વિના ટ્રેનને આગળ લઈ જવા બદલ તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરાશે. આ અંગે રેલવે મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી.
મુંબઈમાં મોટરમૅનોની સમસ્યા અલગ હોય છે. મુંબઈમાં ધસારાને સમયે પ્રત્યેક ત્રણ મિનિટે ટ્રેન દોડાવાની હોવાથી અને સંખ્યાબંધ સિગ્નલો હોવાથી કામના વધુ પડતા બોજને કારણે ભૂલ થવાનો ભય સર્જાય છે. અપૂરતા મોટરમૅનોને લીધે ઓવરટાઈમ કરવો પડે છે. તેના લીધે કામના બોજથી થકાવટને લીધે ભૂલ થવાનું જોખમ વધે છે. તેથી અમે ઓવરટાઈમ બંધ કરવાનું આંદોલન કરશું, એમ શુકલાએ ઉમેર્યું હતું. આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી જગદીશ પાટીલનો સંપર્ક થઈ શક્યો નહોતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer