ઈકબાલ કાસકરની ધરપકડ બાદ હવે ડી. કે. રાવનો વારો

ઈકબાલ કાસકરની ધરપકડ બાદ હવે ડી. કે. રાવનો વારો
મુંબઈ, તા. 12 : ઈકબાલ કાસકરને તાબામાં લીધા બાદ હવે મહારાષ્ટ્ર પોલીસે કુખ્યાત ગુંડાઓને સપડાવવા માટે જાળ બિછાવવાનું શરૂ ર્ક્યું છે. ગુરુવારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ડોન ડી. કે. રાવને તાબામાં લીધો હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે. ડી. કે. રાવ આ પહેલાં બે વાર એન્કાઉન્ટરમાં બચી ગયો છે.
રાવ અનેક વર્ષોથી ડોન છોટા રાજન સાથે હતો. જો કે છેલ્લા બે દાયકાથી મોટા ભાગનો સમય એણે જેલમાં વીતાવ્યો છે. થોડા દિવસ પહેલાં જ એ જેલ બહાર આવ્યો હતો. તેનું સાચું નામ રવિ મલ્લેશ વોરા છે. કેટલાંક વર્ષ પહેલાં લેડી સિંઘમ નામથી જાણીતાં પોલીસ અધિકારી મદુલા લાડ સાથે થયેલા એક એન્કાઉન્ટરમાં  તે ઘાયલ થયો હતો. ત્યારે તેના ખિસ્સામાંથી  બૅન્કનું એક ખોટું આઇડી કાર્ડ મળ્યું હતું જેના પર તેનું નામ ડી. કે. રાવ લખ્યું હતું. ત્યારથી એ આ નામથી ઓળખાય છે. 
ડી. શિવાનંદન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના વડા હતા ત્યારે દાદરમાં થયેલા એક એન્કાઉન્ટરમાં ચાર જણ મરી ગયા હતા. ડી. કે. રાવ પણ તેમાં જખમી થયો હતો. છોટા રાજનને બે વર્ષ પહેલાં ડિપોર્ટ ર્ક્યા બાદ મુંબઈમાં તેની ગૅંગનો  લગભગ વીંટો વળી ગયો છે. તેથી હજી એ સ્પષ્ટ થયું નથી કે ડી. કે. રાવ પોતાની ગૅંગ ચલાવે છે કે બીજા કોઇની ગૅંગ સાથે જોડાયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer