નાંદેડ-વાઘલા પાલિકામાં કૉંગ્રેસનો જ્વલંત વિજય

નાંદેડ-વાઘલા પાલિકામાં કૉંગ્રેસનો જ્વલંત વિજય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં નાંદેડ-વાઘલા પાલિકાની ચૂંટણીમાં 81માંથી 57 બેઠકો હાંસલ કરી કૉંગ્રેસે જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. આખા મહારાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકનું સ્થાન મેળવનાર ભાજપને ખાસ સફળતા મળી નથી. શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
નાંદેડ-વાઘલા પાલિકાના વિદાય લેતા ગૃહમાં કૉંગ્રેસના 41, એમ.આઈ.એમ.ના 11, શિવસેનાના 14 અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના 10 સભ્યો હતા, જ્યારે ભાજપની એકપણ બેઠક નહોતી.
નાંદેડ પરંપરાગત રીતે કૉંગ્રેસનું વર્ચસ ધરાવતું શહેર છે. વધુમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણનું તે વતન છે. આ ચૂંટણીમાં પ્રચારમાં કૉંગ્રેસ, ભાજપ અને શિવસેના વચ્ચે તીખું શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું.
આ વિજય અંગે અશોક ચવ્હાણે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે નાંદેડમાં મળેલી સફળતા દર્શાવે છે કે હવે અમારા સત્તા તરફના પ્રવાસની શરૂઆત થઈ છે. આ વિજયનો યશ નાંદેડકરવાસીઓને જાય છે. આ ચૂંટણીમાં ભાજપે અમારા કાર્યકરોને ફોડવાનો પ્રયત્ન કર્યો હતો. અમારા છ નગરસેવકોને ફોડીને ભાજપે ટિકિટ આપી હતી. તે બધા પરાજિત થયા છે, એમ ચવ્હાણે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષના નારાયણ રાણેએ જણાવ્યું હતું કે નાંદેડમાં ચૂંટણી કેવી રીતે થાય છે તે મને ખબર છે. ત્યાં એમઆઈએમને મેનેજ કરવાના હોય છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer