ભાંડુપની પેટાચૂંટણીમાં વિજયથી મુંબઈ પાલિકામાં ભાજપ શિવસેનાની લગોલગ

ભાંડુપની પેટાચૂંટણીમાં વિજયથી મુંબઈ પાલિકામાં ભાજપ શિવસેનાની લગોલગ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.12 : મુંબઈ પાલિકાના વૉર્ડ નંબર 116 (ભાંડુપ)માં નગરસેવિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાગૃતિ પાટીલનો વિજય થયો છે અને શિવસેનાના ઉમેદવાર મિનાક્ષી પાટીલનો 4792 મતે પરાજય થયો છે. કૉંગ્રેસનાં નગરસેવિકા પ્રમિલા પાટીલના નિધનના કારણે આ બેઠક ખાલી થયા બાદ આ બેઠકની પેટા ચૂંટણી કરાઇ હતી. આમ તો પેટા ચૂંટણી એક ઔપચારિકતા છે પરંતુ મુંબઈ પાલિકામાં ભાજપના સંખ્યાબળમાં એકનો ઉમેરો થતાં તે શિવસેનાના સંખ્યાબળની લગોલગ પહોંચી ગયો છે.
હાલમાં પાલિકામાં સત્તાધીશ શિવસેનાના 84 નગરસેવકો છે અને ચાર અપક્ષોનો ટેકો હોવાથી કુલ સંખ્યાબળ 88નું છે. ભાંડુપની પેટા ચૂંટણીમાં વિજય સાથે ભાજપના નગરસેવકોની સંખ્યા 83 થઇ છે અને બે અપક્ષોનો ટેકો હોવાથી કુલ સંખ્યાબળ 85 સુધી પહોંચ્યું છે. ભાજપના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ વર્ષ 2019માં મુંબઈના મેયરપદે ભાજપના નગરસેવક હશે એવી આગાહી કરીને શિવસેનાને પડકાર પણ ફેંક્યો છે.   
બુધવારે આ પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું અને શિવસેના અને ભાજપે આ બેઠક જીતી લેવા પોતાની તાકાત કામે લગાવી હતી. આ ક્રમમાં ભાજપે કૉંગ્રેસનાં દિવંગત નગરસેવિકા પ્રમિલા પાટીલના પુત્રવધૂ જાગૃતિ પાટીલને જ ઉમેદવારી આપી હતી જ્યારે શિવસેનાએ વિધાનસભ્ય અશોક પાટીલનાં પત્ની મિનાક્ષી પાટીલને ઉમેદવારી આપી હતી.
મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલારે ભાંડુપની પેટા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારના વિજય બાદ સોશિયલ મીડિયા પર સંદેશામાં શિવસેનાને ટોણો મારતા કહ્યું હતું કે પેટા ચૂંટણીમાં મોટા દાવા કરનારાઓના મોં પર લપડાક જેવો ભાજપનો વિજય... કાર્યકર્તાઓને અભિનંદન... આ વિજયથી ભાજપને રાજકીય સંકેત મળ્યો છે... તે દિશામાં હવે કામ શરૂ કરો...
ભાજપના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ભાંડુપમાં પાર્ટીના ઉમેદવારની જીત બાદ શિવસેનાને પડકાર ફેંક્યો હતો કે ટૂંક સમયમાં પાલિકામાં સંખ્યાબળનું ગણિત બદલાશે અને ભાજપના 84 અને શિવસેનાના 83 નગરસેવકો થશે અને વર્ષ 2019માં મેયરપદે ભાજપનો નગરસેવક હશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer