તલવાર દંપતી દોષમુક્ત

તલવાર દંપતી દોષમુક્ત
આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી, તા. 12(પીટીઆઈ):  અલ્હાબાદ વડી અદાલતે, દિલ્હીની 14 વર્ષીય આરુષી તલવારની અને ઘરનોકર હેમરાજની '08માં થયેલી હત્યાઓના કેસમાં દંપતી માતાપિતા ડો. નૂપુર અને ડો.રાજેશ તલવારને, શંકાનો લાભ આપી આજે  આરોપમુક્ત જાહેર કરતા જણાવ્યું હતું કે નોંધ પરના પુરાવાઓના જ આધારે અદાલત તેઓને દોષિત ન ઠરાવી શકે. સીબીઆઈ કોર્ટે દોષિત ઠરાવી ફરમાવેલી આજીવન કેદની સજા અનુસંધાને તલવાર દંપતી હાલ ગાઝિયાબાદની દાસના જેલમાં બંદી છે.  '13ની 26મી નવેમ્બરે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે ફરમાવેલી આજીવન કેદની સજા સામે તલવાર દંપતીએ કરેલી અપીલ બેન્ચે માન્ય રાખી હતી.  આરુષીના 14મા જન્મદિનના 8 જ દિવસ પહેલાં '08ની 1પમી મેની મધરાતે દિલ્હીના નોઈડામાં જલવાયુ વિહારમાંના આવાસના શયનકક્ષમાં ગળું રહેંસી નખાયેલી હાલતમાં આરુષીનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂમાં શકમંદ જણાયેલા હેમરાજનો ય મૃતદેહ બે દિવસ પછી ઈમારતની ટેરેસ પરથી મળી આવ્યો હતે. કેસ-તપાસમાં ઠાગાઠૈયાની ટીકાને પગલે તત્કાલીન મુખ્ય પ્રધાન માયાવતીએ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.
સીબીઆઈએ હાથ ધરેલી તપાસ પણ વિવાદમુક્ત ન હતી. સીબીઆઈની બે અલગઅલગ ટુકડીઓ વિરોધાભાસી નિષ્કર્ષો પર પહોંચી હતી: એકે નાર્કો-એનાલિસિસ રિપોર્ટ થકી તપાસમાં સફળતા મળ્યાનો દાવો કર્યો હતો અને તલવારના કમ્પાઉન્ડર ક્રિષ્ણા અને પડોશીના બે નોકરો-રાજકુમાર તથા વિજય મંડલની ધરપકડ કરી, પણ તેઓ સામે ચાર્જશીટ ન મૂકી શકતાં તેઓને છોડી મુકાયા. તે પછી સીબીઆઈએ રચેલી બીજી ટીમે કોર્ટમાં કલોઝર રિપોર્ટ રજૂ કરી દેવો પડયો, કારણ કે કોઈની ય સામે આરોપ મૂકવાના પૂરતા પુરાવા ન હોવાનું તપાસનીશોએ જણાવ્યું. સીબીઆઈ કોર્ટે કલોઝર રિપોર્ટ નકારી મોજુદ પુરાવાઓના આધારે તલવાર દંપતી સામે કાનૂની કારવાઈનો આદેશ આપ્યો, જેમાં સીબીઆઈ કોર્ટે તેઓને કસૂરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી. ચકચારી કેસથી પ્રેરિત થઈ મેઘના ગુલઝાર નિર્દેશિત તલવાર નામક ફિલ્મ પણ બની જે ઠીક હિટ નીવડી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer