હિમાચલ પ્રદેશની ચૂંટણી નવ નવેમ્બરે, ગુજરાતની 18 ડિસેમ્બર પહેલાં

હિમાચલ પ્રદેશની ચૂંટણી નવ નવેમ્બરે, ગુજરાતની 18 ડિસેમ્બર પહેલાં
વડા પ્રધાનની રૅલીને કારણે ગુજરાતની તારીખો જાહેર ન કર્યાનો કૉંગ્રેસનો આરોપ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતીએ આજે અત્રે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ``ટૂંકમાં'' જાહેર કરાશે. હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરના મતદાન થશે અને 18 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરી નહોતી, પરંતુ જણાવ્યું હતું કે, 18 ડિસેમ્બર પહેલાં યોજાશે.
ગુજરાત માટે ચૂંટણીની તારીખોની જાહેરાત ગુરુવારે શા માટે કરવામાં આવી નહીં એવા સવાલોનો પત્રકારોએ મુખ્ય ચૂંટણી કમિશનર પર મારો ચલાવ્યો હતો. એ. કે. જોતીએ ગુજરાત સંબંધમાં જાહેરાતના વિલંબને વાજબી ઠરાવતાં અગાઉ બહાર પાડવામાં આવેલા વર્તમાન નિયમોને ટાંકતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ પાસે ચૂંટણી યોજવા કાયદેસરના 21 દિવસો છે જેને 45 દિવસ સુધી લંબાવી શકાય છે.
તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં મતગણતરી થાય તે પહેલાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાને આટોપી લેવામાં આવશે.
``મૂળભૂત સિદ્ધાંત એવો છે કે, એક રાજ્યની ચૂંટણીથી ટૂંક સમયમાં બીજા રાજ્યમાં યોજાતી ચૂંટણીનાં પરિણામો પર અસર થવી ન જોઈએ. હિમાચલનાં પરિણામો પહેલાં ગુજરાતની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જશે,'' એમ જોતીએ વધુમાં જણાવ્યું હતું.
ગાંધીનગરમાં આગામી સપ્તાહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રૅલી હોવાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નથી આવી એવા સવાલનો જવાબ આપતાં જોતીએ આ વાતને રદિયો આપ્યો હતો. ``ગુજરાતના મુખ્ય સચિવે અમને પત્ર પાઠવ્યો હતો અને જણાવ્યું હતું કે, રાજ્યમાં અસાધારણ પૂરને કારણે રાહત કામગીરી પૂરી થઈ શકી નથી અને એટલે તે માટે રાજ્યને સમય જોઈએ છે'' એમ જોતીએ કહ્યું હતું.
ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશ વિધાનસભાની મુદત 7 જાન્યુઆરી, 2018ના અને ગુજરાત વિધાનસભાની 22 જાન્યુઆરીના પૂરી થાય છે.
હિમાચલ પ્રદેશમાં નવેમ્બરની મધ્યથી ભારે બરફ પડતો હોય છે એટલે અમે ત્યાં 9 નવેમ્બરના ચૂંટણી યોજશું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer