ચીન પાડોશીઓ સાથે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવશે : શી જિનપિંગ

ચીન પાડોશીઓ સાથે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવશે : શી જિનપિંગ
જોકે દેશનાં હિતોના ભોગે આવું નહીં કરાય
બીજિંગ, તા. 18 : ચીનના પ્રમુખ શી જિનપિંગે પાડોશી રાષ્ટ્રોને વાતચીત દ્વારા વિવાદ ઉકેલવાની ખાતરી આપી છે. જોકે, તેમણે એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે દેશનાં હિતોના ભોગે આવું કરવામાં નહીં આવે.
જિનપિંગના આ નિવેદનને ભારત સાથેના તાજેતરના ડોકલામ વિવાદ અને દક્ષિણ-પૂર્વ ચીન સાગર પરના વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. શીએ આ નિવેદન સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટીની મહત્ત્વપૂર્ણ બેઠકમાં કર્યું હતું. આ બેઠકમાં તેમની પાંચ વર્ષની આગામી મુદત પર મંજૂરીની મહોર મારવામાં આવશે. સીપીસીના મહાસચિવ જિનપિંગે પાંચ વર્ષમાં એકવાર મળતી કૉંગ્રેસમાં પોતાના સાડા ત્રણ કલાકના સંબોધનમાં પીપલ્સ લિબરેશન આર્મીને વિશ્વ કક્ષાની સેના બનાવવાની પ્રતિબદ્ધતા પણ જાહેર કરી હતી. 64 વર્ષના શીએ કૉમ્યુનિસ્ટ પાર્ટી અૉફ ચાયના (સીપીસી)ના સમાજવાદી ઢાંચાને બરકરાર રાખતા તેને વધુ મજબૂત બનાવવા પર જોર આપ્યું હતું.
પાડોશી રાષ્ટ્રો સાથેના સંબંધો વિશે તેમણે જણાવ્યું હતું કે, ચીન ક્યારે પણ આધિપત્ય કે વિસ્તારવાદમાં માનતું નથી. ચીન બીજાનાં હિતોની અવગણના કરીને ક્યારે પણ પોતાના વિકાસને આગળ નહીં વધારે. જોકે, તેમણે તેનાં પાડોશી રાષ્ટ્રોને એક ચેતવણી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચીન તેનાં હિતોને કમજોર કરતા કોઈ પણને છોડશે નહીં.
આ બેઠકમાં લગભગ 2300 લોકોએ હાજરી આપી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer