અર્થતંત્ર માટે અૉક્ટોબર વસમો નીવડયો

અર્થતંત્ર માટે અૉક્ટોબર વસમો નીવડયો
જથ્થાબંધ ભાવાંકનો ફુગાવો છ મહિનાની ટોચે 3.59 ટકા
નવી દિલ્હી, તા.14 (પીટીઆઈ): કાંદા અને શાકભાજીના નેજા હેઠળ સામગ્રીના ભાવ નોંધપાત્ર વધતા દેશનો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબ્લ્યૂપીઆઈ) અૉક્ટોબર મહિનામાં છ મહિનાની ટોચે 3.59 ટકા પર પહોંચ્યો છે. સપ્ટેમ્બરમાં હોલસેલ ફુગાવો 2.60 ટકા હતો. જ્યારે ગત વર્ષના અૉક્ટોબરમાં 1.27 ટકાનો હતો.
 ગયા માસનો ફુગાવો એપ્રિલ મહિના બાદ 3.85 ટકાનો સૌથી ઊંચો ફુગાવો હતો. સરકારી આંકડા દર્શાવે છે કે અૉક્ટોબરમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો બમણા કરતા પણ વધુ 4.30 ટકા થયો છે. શાકભાજીમાં ફુગાવો સપ્ટેમ્બરના 15.48 ટકાથી વધીને અૉક્ટોબરમાં 36.61 ટકા થયો છે. 
કાંદાના કિસ્સામાં ફુગાવો 127.04 ટકા જ્યારે ઈંડા, માંસ અને માછલીના દરમાં 5.76 ટકાનો વધારો થયો છે. ઉત્પાદિત પ્રોડકટ્સમાં સપ્ટેમ્બરના 2.72 ટકાથી અૉક્ટોબરમાં આંશિક ઘટાડો થઈ 2.62 ટકા ફુગાવો થયો છે. ઈંધણ અને ઊર્જા ક્ષેત્રમાં ફુગાવો 9.01 ટકાથી વધીને 10.52 ટકા થયો છે. 
ગઈકાલે રિટેલ ફુગાવો જાહેર થયો હતો, જે અૉક્ટોબરમાં સાત મહિનાની ટોચે હતો. ઉપરાંત સપ્ટેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રની નબળી કામગીરીને પગલે ઔદ્યોગિક ઉત્પાદન 3.8 ટકા રહ્યું હતું. ગયા મહિને રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ફુગાવાની ચિંતાએ વ્યાજદરને યથાવત્ રાખ્યા હતા. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીના વૃદ્ધિદરની આગાહી ઘટાડીને 6.7 ટકા રાખવામાં આવી છે. તેમ જ આરબીઆઈએ ફુગાવાની આગાહી 4-4.5 ટકાથી વધારીને 4.2-4.6 ટકા કરી છે.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer