હજુ પણ `મોદી મેજિક'' બરકરાર

અમેરિકી સંસ્થા પ્યૂરિસર્ચના સર્વે મુજબ વડા પ્રધાન દેશની સૌથી લોકપ્રિય હસ્તી
વોશિંગ્ટન તા. 16 : પોતાના આર્થિક સુધારા સહિતના નિર્ણયો બદલ ભારે ટીકાઓનો સામનો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ સારા સમાચાર છે, એક સર્વેના આધારે આવતા અહેવાલ અનુસાર, ભારતીય રાજનીતિમાં હજુ પણ `મોદી મેજિક' બરકરાર છે.
અમેરિકી થિન્કટેન્ક પ્યૂરિસર્ચ સેન્ટર દ્વારા અઢી હજાર જેટલા લોકોને આવરી લેતા કરાયેલા સર્વેક્ષણમાં 88 ટકા લોકોએ મોદીને સૌથી લોકપ્રિય હસ્તી માન્ય હતા.
જો કે, આ સર્વેમાં 58 ટકા લોકોની તરફેણ સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભારતીય રાજનીતિની સૌથી લોકપ્રિય હસ્તી તરીકે બીજા સ્થાને છે. બીજી તરફ, 57 ટકા સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ત્રીજા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 39 ટકા મત સાથે ચોથા સ્થાન પર છે.
પ્યૂરિસર્ચ તેના સર્વે અહેવાલમાં નોંધ છે કે, ભારતની જનતા દ્વારા નરેન્દ્ર મોદીનું સકારાત્મક મૂલ્યાંકન ભારતીય અર્થવ્યવસ્થા પ્રત્યે વધતા સંતોષની પ્રતીતિ કરાવે છે.
દેશની અર્થવ્યવસ્થાની દશા સારી છે, તેવું દરેક 10માંથી આઠ લોકો માને છે. આવું અનુભવતા લોકોમાં 2014ની ચૂંટણી પહેલાના પ્રમાણ કરતાં 19 ટકા વધારો થયો છે.
સર્વે અનુસાર મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા જેવા દક્ષિણી રાજ્યોમાં પણ વડાપ્રધાન મોદી સૌથી લોકપ્રિય રાજકીય હસ્તી તરીકે સ્થાન ધરાવે છે.
 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer