પહેલા તબક્કા માટે આવતી કાલ સાંજથી પ્રચારના પડઘમ શાંત થશે

ગુજરાતની ચૂંટણીમાં વડા પ્રધાન મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રતિષ્ઠા  દાવ પર
વિક્રમ સોની તરફથી,
અમદાવાદ, તા.6 : ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. તારીખ 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આવરી લેતી 89 બેઠકો માટે મતદાન થશે અને 14 ડિસેમ્બરે બીજો તબક્કો યોજાશે. જેમાં બાકીની 93 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ આવતી કાલે સાંજે પાંચ વાગ્યાથી બંધ થઇ જશે અને ત્યારબાદ રાજકીય પક્ષો તેમને છેલ્લી રણનીતિ અનુસાર ડોર ટુ ડોર પ્રચારકાર્ય અને ખાટલા પરિષદો જોરશોર થી ચલાવશે અને છેલ્લી ઘડીના ખેલ થશે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચારનું રાજકીય પક્ષોનું વાવાઝોડુ ફુંકાયું હતું પણ કુદરતી વાવાઝોડાએ તેને ઠંડુ પાડી દીધું છે. જેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની  સભાઓ રદ કરાવી હતી. ભાજપ છઠ્ઠી વખત જનાદેશ માગી રહેલ છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાની આ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલ છે એને જીતવા માટે ભાજપના તમામ નેતાઓ, કેન્દ્ર સરકાર તેમ જ ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓના કાફલાને ચૂંટણી પ્રચાર માટે  મેદાનમાં ઊતાર્યા છે. તેમ જ વડા પ્રધાન પણ અનેકવાર ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા  છે. ભાજપની સરકાર સામે નોટબંધી અને જીએસટીનો વિરોધ વંટોળ છે તેથી તેની પ્રતિષ્ઠા દાવ પર છે .જ્યારે છેલ્લાં 22 વર્ષથી સત્તા બહાર રહેલી કૉંગ્રેસ રાજયસભાની ચૂંટણીથી જાગૃત થતાં તેમનામાં નવો જોમ અને જુસ્સો આવ્યો છે અને કૉંગ્રેસના નેતાઓ નવસર્જનના નામે સત્તાની ગાદી  સંભાળવા થનગની રહેલ છે. અન્ય પક્ષો પણ સત્તામાં આવવા અને પોતાનું નસીબ અજમાવવા મેદાનમાં આવ્યા છે અને હવે તો કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બની ગયા છે તેથી તેમની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. તેમના નેતૃત્વમાં ગુજરાતની વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી આવી છે તેમના માટે પણ પ્રતિષ્ઠાનો જંગ આ ચૂંટણી બની રહેલ છે.
રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેલ આ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે અને પ્રચાર માટે સમગ્ર દેશમાંથી રાજકીય નેતાઓનો કાફલો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે વરાયેલા યુવા નેતા રાહુલ ગાંધી પણ પૂરી તાકાતથી જોર કરી રહેલ છે. કેન્દ્ર સરકારના પ્રધાનોની ફોજ પણ ચૂંટણી પ્રચાર માટે જોર લગાડે છે અને અહીં આવી રહ્યા છે. જાહેર સભાઓ, રોડ શૉ, મેળાવડાઓ,રૅલીઓ અને સંમેલનો વગેરે ચાલુ છે. દરમિયાનમાં કુદરતના વાવાઝોડા`ઓખી'એ આ ચૂંટણી પ્રચાર પર એક દિવસ માટે બ્રેક મારી બધાને ચિંતામાં મૂકી દીધા અને તમામ રાજકીય પક્ષોની સભાઓ, રૅલીઓ વગેરેના કાર્યક્રમો પર બ્રેક મારી દીધી.
આવતી કાલ સાંજના પાંચ વાગ્યાથી  ચૂંટણી પ્રચાર ના પડઘમ શાંત પડી જશે અને જાહેર પ્રચાર બંધ થઇ જશે ત્યાર બાદ રણનીતિ પ્રમાણે રાજકીય પક્ષોનો ઘરે ઘરે ફરીને તેમ જ ખાટલા પરિષદોના પ્રચારનો છેલ્લો તબક્કો શરૂ થશે. ચૂંટણી ન્યાયી નિષ્પક્ષ અને ખેલદીલી પૂર્વક ભાઇચારાથી સંપન્ન થાય તે માટે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય તે માટે અર્ધલશ્કરી દળો સાથેની પૂરી વ્યવસ્થા ચૂંટણી પંચે ગોઠવી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer