APMCમાં કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીનું વર્ચસ્વ ઘટાડાશે

 
મુંબઈ, તા. 7 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળની ભાજપ સરકારે નવી મુંબઈ એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના ડિરેક્ટર બોર્ડને કાયમી વિખેરી નાખવાની અને સહકાર મંત્રીના વડપણ હેઠળ 19 સભ્યોની કમિટી રચવાની દરખાસ્ત કરી છે. આની પાછળનો હેતુ રાજકીય રહ્યો છે. એટલે કે કૉંગ્રેસ-એનસીપીનું હાલ એપીએમસી પર જે સંયુક્ત રીતનું વર્ચસ્વ છે તે ઘટાડવાનો રહ્યો છે.
આમ તો જ્યારથી એટલે કે ત્રણ વર્ષથી ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તા પર આવી છે ત્યારથી વિરોધી પક્ષોનો રાજ્યભરમાંની કેટલીક ગ્રામ્ય સંસ્થાઓ જેવી કે જીલ્લા સહકારી બૅન્કો અને એપીએમસી પરનું વર્ચસ્વ નબળું પાડવાના પગલાં લેતી રહી છે, જેમાં ગેરવહીવટ થઈ રહ્યાના આક્ષેપ કરાતા રહ્યા છે. નવી મુંબઈની એપીએમસી રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી માર્કેટ છે અને તે કોઈ પણ રાજકીય પક્ષોની દરમિયાનગીરી વગર ચાલતી હોવી જોઈએ. આમ વહીવટી સ્તરે ફેરફાર કરવા માટે એપીએમસીમાં સર્વિસીસ સુધારવાનો હેતુ આ પાછળ રહ્યો હોવાનું એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર આ અંગેના ધારાઓમાં સુધારા કરવાની દિશામાં આગળ વધી રહી છે, જેથી નવી મુંબઈ એપીએમસીના વહીવટ સિસ્ટમને બદલી શકાય.
સરકાર માને છે કે આ અંગેનું બિલ રજૂ થશે ત્યારે વિરોધપક્ષો તેને અટકાવવાનો પ્રયાસ કરશે. આથી સરકાર આ સુધારાનો અમલ કરવા વટહુકમ બહાર પાડવા તૈયારી કરી રહી છે.
આ નવી કમિટીમાં સહકાર મંત્રી ઉપરાંત બધાં જ સંબંધિત ક્ષેત્રોના પ્રતિનિધિઓ જેમકે  ખેડૂતો, વેપારીઓ, રેલવે અધિકારીઓ અને નવી મુંબઈ નગરપાલિકાના અધિકારીઓ સમાવિષ્ટ હશે. આમ થતા બધાં સંબંધિત ક્ષેત્રોના હિતની જે તે પ્રતિનિધિઓ દ્વારા જાળવણી થશે.
ભારતમાં કૃષિ ઉત્પાદનો માટે એપીએમસી સૌથી વિશાળ બજારમાંની એક છે, જ્યાં વર્ષે દહાડે રૂા. 10000 કરોડનો બિઝનેસ થાય છે અને ખેડૂતો તથા વેપારીઓ પર વિવિધ ``સેસ'' નાખવા દ્વારા રૂા. 150 કરોડની આવક થાય છે. અગાઉની પેનલમાં 26 ડિરેક્ટરો હતા જેમાંના કેટલાક ભૂતપૂર્વ ડિરેક્ટરો વિધાનસભ્ય અને એમએલસી તથા મંત્રીઓ હતા. બે વાર મુદત વધાર્યા પછી છેલ્લા ડિરેક્ટર બોર્ડનું ભાજપ સરકારે વિસર્જન કરી નાખ્યું હતું, જેમાં સરકારને ગેરવહીવટ તથા નાણાકીય અનિયમિતતાની ફરિયાદો મળી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer