મીઠા શબ્દો બોલીને ભાજપ સરકારને હટાવો : રાહુલ

ડાકોર મંદિરે દર્શન કરતા કૉંગ્રેસ નેતા : શામળાજી, દિયોદર અને કલોલમાં સભાઓ સંબોધી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 10 : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કરી કહ્યું હતું કે, ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. ચૂંટણી પ્રચારની શરૂઆત લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં શીશ ઝુકાવીને કર્યો હતો. જો કે, મંદિર પરિસરમાં રાહુલ ગાંધીની સામે મોદી-મોદીના નારા લાગ્યા હતા. રાહુલ ગાંધીએ ડાકોર ઉપરાંત શામળાજી, દિયોદર અને કલોલમાં પણ જનસભાને સંબોધી વડાપ્રધાન ઉપર સીધો હુમલો કર્યો હતો અને દેશમાં થતા ગોટાળા મામલે ચોકીદાર કંઇ બોલતા ન હોવાનું જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પોતાના પક્ષના નેતા મણિશંકર ઐયરના નિવેદનની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, ખોટા શબ્દનો ઉપયોગ ન કરો, તેઓ વડાપ્રધાન છે. તમે કોંગ્રેસ પાર્ટીના છો, તમે પ્રેમથી વાત કરો, મીઠા શબ્દનો ઉપયોગ કરો અને તેમને ભગાડો. તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં એમ પણ કહ્યું કે, ગઇકાલે મેં મોદીજીનું ભાષણ સાંભળ્યું, તેમાં મોદીજીએ 90 ટકા વાતો મોદીજીની જ કરી !
ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સકાર સત્તા સ્થાને છે. આ સરકારે ચૂંટણી ઢંઢેરામાં આપેલા એક પણ વચનનું પાલન કર્યું નથી અને સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. કેંગ્રેસની સરકાર બનશે તો ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂરા કરવાની ખાતરી આપી સરકાર બનતાં માત્ર દસ દિવસમાં દેવા નાબૂદી કરી સાચા અર્થમાં ગુજરાતમાં ખેડૂતોની અને તમામ જ્ઞાતિની અમારી સરકાર હશે તે માટે તમામ કરી છૂટવાની ખાતરી આપી હતી.