સુપ્રીમ કોર્ટમાં ચાર ન્યાયાધીશોની બગાવત

મુખ્ય ન્યાયમૂર્તિ સામે આક્ષેપ : સર્જાતો રાજકીય વિવાદ
સોશિયલ મીડિયામાં કૉંગ્રેસ ભણી ચીંધાતી આંગળી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી,તા. 12: ભારતીય ન્યાયતંત્રનાં એક અભૂતપુર્વ અને ચક્રવાત સર્જતા ઘટનાક્રમમાં આજે સર્વોચ્ચ અદાલતનાં ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ પહેલીવાર મીડિયા સમક્ષ આવીને પત્રકાર પરિષદ યોજી દેશનાં પ્રમુખ ન્યાયાધીશ (ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા-સીજેઆઈ) સામે વિદ્રોહી સૂર છેડતાં પત્રકાર પરિષદ યોજીને ખળભળાટ મચાવતાં કથનમાં કહ્યું હતું કે, દેશની સુપ્રીમ કોર્ટમાં બધું નિયમિત નથી અને અનપેક્ષિત પણ છે. જો આ સંસ્થાને સંરક્ષિત રાખવામાં નહીં આવે તો રાષ્ટ્રનું લોકતંત્ર જોખમાઈ શકે તેમ છે. ચારેય જજ સીજેઆઈ સામે મહાભિયોગ ચાલે તેવું ઈચ્છે છે કે કેમ? તેવા સવાલનાં જવામાં કહેવામાં આવ્યું હતું કે હવે દેશ નક્કી કરશે. ભુકંપ સર્જતી આ પત્રકાર પરિષદ બાદ સીજેઆઈએ એટર્ની જનરલને બોલાવીને એક બેઠક પણ યોજી હોવાનું જાણવા મળે છે.
સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજે આજે પત્રકાર પરિષદ યોજીને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સામે આક્ષેપો કર્યા તેના પગલે દેશમાં રાજકીય વિવાદ પણ સર્જાયો છે. કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકારો સમક્ષ આ મામલે કરેલા ટૂંકા નિવેદન બાદ સોશ્યલ મીડિયામાં જજોની આ બગાવત બદ્દલ મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો સામે આંગળી ચિંધાઇ રહી છે. સોશ્યલ મીડિયામાં ચર્ચા છે કે જજોએ પત્રકાર પરિષદ બોલાવી તે પહેલા કૉંગ્રેસના નેતાઓ અને સીપીએમના વરિષ્ઠ નેતા ડી રાજા સાથે મસલત કરી હતી.
સીજેઆઈ પછી સુપ્રીમ કોર્ટનાં બીજા સૌથી સિનિયર જજ જે ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ મદન લોકુર અને જસ્ટીસ કુરિયન જોસેફે આજે સનસનાટી મચાવતી અનોખી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આમાં ન્યાયધીશ ચેલમેશ્વરે કહ્યું હતું કે છેલ્લા કેટલાંક માસ દરમિયાન સર્વોચ્ચ અદાલતનાં વહિવટી કામોમાં બધુ જ નિયમિત ધોરણે ચાલ્યું નથી અને ઈચ્છિત કરતાં ઘણું ઉતરતું રહ્યું છે. જો સર્વોચ્ચ અદાલતને જાળવવામાં નહીં આવે તો દેશની લોકશાહી જોખમમાં મુકાઈ જશે. તેમણે આગળ જણાવ્યું હતું કે આજે સવારે જ તેઓ સીજેઆઈ દીપક મિશ્રાને મળ્યા હતાં અને ન્યાયતંત્ર સંબંધિત આ ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ઉમેર્યુ હતું કે આ પ્રકારે પત્રકાર પરિષદ યોજવી પડી એ પણ પીડાદાયક છે.
જસ્ટીસ ચેલમેશ્વરનાં નિવાસે યોજાયેલી પત્રકાર પરિષદમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે ઉપસ્થિત ચારેય ન્યાયાધિશોએ સાથે મળીને થોડા સમય પૂર્વે સીજેઆઈ દીપક મિશ્રાને પત્ર લખીને પણ આ મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. પરંતુ આ પ્રયાસો નિષ્ફળ બની રહ્યા. આગળ કહેવામાં આવ્યું કે તેઓ ચારેય જજને ખાતરી છે કે તાજેતરમાં બનેલા ઘટનાક્રમોમાં લોકતંત્ર તાસક પર મુકાયું છે.
જ્યારે ન્યાયમૂર્તિઓને પૂછવામાં આવ્યું કે કઈ બાબતમાં આવું બન્યું છે ત્યારે જણાવવામાં આવ્યું કે સીજેઆઈ દ્વારા કેસોની ફાળવણીમાં આવું થયું છે. સોહરાબુદ્દીન શેખનાં એનકાઉન્ટર કેસની સુનાવણી કરતાં વિશેષ સીબીઆઈ જજ બી.એચ.લોયાનાં કથિત રહસ્યમય મૃત્યુનો મામલો આજે જ સુપ્રીમ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે ત્યારે ચારેય જજોનાં આજનાં આક્ષેપો વધુ સંવેદનશીલ બની રહે છે. જ્યારે પત્રકારો દ્વારા પુછવામાં આવ્યું કે સીજેઆઈને પાઠવવામાં આવેલો પત્ર જજ લોયાનાં મૃત્યુ સંબંધિત કેસ બાબતે હતો? ત્યારે જજ ગોગોઈએ હકાર આપ્યો હતો.
જસ્ટીસ ચેલમેશ્વરે કહ્યું હતું કે અમે ન્યાયતંત્ર અને રાષ્ટ્રનાં ઉત્તરદાયી છીએ. ન્યાયતંત્રની રક્ષા કાજે પગલાં માટે સીજેઆઈને મનાવવા માટેનાં પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે આ ભારત અને ખાસ કરીને ન્યાયતંત્રનાં ઈતિહાસમાં આવી પત્રકાર પરિષદ યોજવી એ અસાધારણ બની જાય છે. શું સીજેઆઈ સામે મહાભિયોગ ચાલે તેવું ચારેય જજ ઈચ્છી રહ્યા છે? આવા સવાલનાં જવાબમાં જજ ચેલમેશ્વરે કહ્યું હતું કે, તેમનાં મૂખમાં શબ્દો મુકવાનાં પ્રયાસો ન થવા જોઈએ. હવે દેશે નક્કી કરવાનું છે.
આ પ્રકારે પત્રકાર પરિષદ યોજવાનું કારણ પુછવામાં આવ્યું ત્યારે ચારેય જજ વતી જસ્ટીસ ચેલમેશ્વરે કહ્યું હતું કે આજથી 20 વર્ષ બાદ કોઈ જાગરુક માણસ એવું ન કહેવો જોઈએ કે અમે ચારેય જજે અમારો આત્મા વેંચી દીધો હતો અને બંધારણ મુજબ વર્ત્યા ન હતાં. આ પત્રકાર પરિષદ બાદ સીજેઆઈ દીપક મિશ્રાએ એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ સાથે બેઠક યોજી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

Business

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer