ઉપલેટા : રાષ્ટ્રકથા શિબિરમાં આગ, 15 કિશોરીઓ દાઝી, ત્રણનાં મોત

રાજકોટ, તા. 13 : ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની રાત્રિના શોટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઊઠતાં ત્રણ શિબિરાર્થી કિશોરી ભડથું થઇ ગઇ હતી. પાંચના મોતની શંકા સેવાઇ રહી છે. 15 કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમ જ ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. 50 ટેન્ટ સળગીને ખાખ થઇ ગયા હતા.
રાત્રિના 1:30 કલાકે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા તેમ જ આગના કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઇજા થઇ હતી તેઓને હૉસ્પિટલે પહોંચાડવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને તાકીદે નજીકના શહેરની હૉસ્પિટલમાં પહોંચાડી ઝડપથી સારવાર શરૂ કરાવવામાં આવી હતી.
પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો અને દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા ત્યારે કિશોરીઓ જે વિભાગમાં ટેન્ટમાં સૂતી હતી ત્યાં આગ લાગી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer