ટીમ ઇન્ડિયા શ્રેણી વિજયની કોશિશ કરશે

ટીમ ઇન્ડિયા શ્રેણી વિજયની કોશિશ કરશે
પોર્ટ એલિઝાબેથ તા.12: પાછલા મેચમાં હાર સહન કરનાર ભારતીય ટીમ આવતીકાલ મંગળવારે દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ રમાનાર પાંચમા વન ડેમાં જીત મેળવીને શ્રેણી કબજે કરવાના મકકમ ઇરાદે મેદાને પડશે. છ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 3-1થી આગળ ચાલી રહી છે. એક જીતથી તેનો આફ્રિકાની ધરતી પર પહેલીવાર ઐતિહાસિક શ્રેણી વિજય થઇ શકે છે. સતત ત્રણ જીત બાદ ચોથા વન ડેમાં આફ્રિકાનો ડકવર્થ-લૂઇસ નિયમથી વિજય થયો હતો. ચોથા વન ડેમાં પહેલીવાર ભારતીય સ્પિન જોડી ચહલ-કુલદિપને નિષ્ફળતા મળી હતી. આમ છતાં આફ્રિકાની બેટિંગ લાઇનઅપ અને ભારતના કલાઇના સ્પિનર વચ્ચેનો મુકાબલો ચાલુ જ છે. જેની અસર પાંચમા વન ડેમાં પણ જોવા મળી શકે છે.
ચોથા વન ડેમાં ભારતને કેચ છોડવા અને ચહલનો મિલર સામેનો નો-બોલ ભારે પડયો હતો. સુકાની કોહલીની આખરી ઓવરોમાં બુમરાહ અને ભુવનેશ્વરના બદલે ચહલ-કુલદિપને બોલિંગ આપવાની રણનીતિ પણ નિષ્ફળ સાબિત થઇ હતી. પાંચમા મેચની ઇલેવનમાં ભારત ફેરફાર કરી શકે છે. કેદાર જાધવની ફિટનેસ પણ પ્રશ્ન થઇ રહયા છે. તેના સ્નાયૂ ખેંચાઇ ગયા છે જેથી તે ચોથા વન ડેની પણ બહાર રહયો હતો. જાધવના સ્થાને રમેલ યુવા શ્રેયસ અય્યરને ફરી તક મળી શકે છે. સતત નિષ્ફળ જઇ રહેલા રોહિત શર્માને વધુ એક મોકો મળી શકે છે. ભારતની બેટિંગ ફરી એકવાર સુકાની કોહલી અને ઓપનર ધવન પર નિર્ભર રહેશે.
બીજી તરફ આફ્રિકાની ટીમ વિજયનો ક્રમ જાળવી રાખીને શ્રેણી જીવંત રાખવા ફરી એકવાર આરયાપારનો મુકાબલો કરશે. આફ્રિકાને તેના સ્ટાર બેટસમેન એબી ડિ'વિલિયર્સ પાસેથી એક મોટી ઈનિંગની આશા રહેશે. મેચ 4-30 વાગ્યાથી શરૂ થશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer