કર્ણાટકનાં પરિણામ વિશે કોણે શું કહ્યું ?


આજે કર્ણાટકનાં ચૂંટણી પરિણામો જાહેર થતાં સાથે જ એક તબક્કે ભાજપ માટે જીત આસાન દેખાતાં તમામ એક્ઝિટ પોલ ખોટા પડે તેવી સંભાવના દેખાતી હતી. જો કે જેમ-જેમ પરિણામો સામે આવતાં ગયા તેમતેમ ચિત્ર પલટાયું હતું અને ત્રિશંકુ સ્થિતિ નિર્માણ પામી હતી. ચૂંટણીનાં આ પરિણામો વિશે શીર્ષ નેતાગીરીએ શું પ્રતિક્રિયા આપી તેનાં ઉપર એક ઉડતી નજર.
અમે જેડી(એસ)ને સરકાર રચવા સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. આ રીતે ભાજપને સત્તાથી અળગો રાખવામાં આવશે.
- સિદ્ધારમૈયા, વિદાય લેતા કર્ણાટક મુખ્યમંત્રી
કોંગ્રેસ અને જેડી-એસનું સંખ્યાબળ ભાજપ કરતાં વધી જશે અને અમે સરકાર રચવાનો દાવો કરીશું.
- ગુલામ નબી આઝાદ, કોંગ્રેસ નેતા
અમિત શાહનો જાદુ ફરી એકવાર ચાલી ગયો છે. દિવસ-રાત એક કરીને તેમણે પ્રત્યેક જિલ્લામાં એકેક બૂથની મુલાકાતો લઈને જે મહેનત કરી છે તેને સલામ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં અમારા પક્ષે ફરી એકવાર ઈતિહાસ બનાવ્યો છે.
- સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી
જો કોંગ્રેસે ચૂંટણી પૂર્વે જ જેડી-એસ સાથે જોડાણ કરી લીધું હોત તો પરિણામો અલગ, સદંતર અલગ આવ્યા હોત.
- મમતા બેનરજી, પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી
કોંગ્રેસને ઘણી બેઠકો મળી છે. એટલે કે કોંગ્રેસને કોઈ અવગણી શકે તેવી સ્થિતિ નથી. હા, જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટેનાં રસ્તા શોધવા પડશે.
- કે.જે.જ્યોર્જ, કર્ણાટક મંત્રી
કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીનો આ સતત ત્રીજો પરાજય છે. હવે તમામ વિપક્ષોએ સંગઠિત થઈને લડવું હોય તો પણ આવી જાય. એટલે તમામ કચરો એક ઝાટકે જ સાફ થઈ જાય.
- રાજ્યવર્ધન રાઠોડ, કેન્દ્રીય મંત્રી
રાહુલ ઉગતાં નેતા છે અને 2019ની ચૂંટણી અલગ જ ખેલ બની જશે. બાકી મારા શરીરમાં રક્ત છે ત્યાં સુધી હું તેમની સાથે જ રહીશ.
- નવજોત સિદ્ધુ, કોંગ્રેસ નેતા
કર્ણાટકનાં પરિણામો ભાજપ માટે ઐતિહાસિક છે. હવે દેશમાં કોંગ્રેસ શોધો અભિયાન ચલાવવું પડે તેવી હાલત છે.
- રમણસિંહ, છત્તિસગઢ મુખ્યમંત્રી
કર્ણાટકની જનતાને સુશાસન જોઈએ છે. એટલે જ તેમણે ભાજપને આટલા વધુ મતો આપ્યા છે. કોંગ્રેસ સતત હારી રહ્યો છે.
- પ્રકાશ જાવડેકર, કર્ણાટક ભાજપ પ્રભારી
રાજ્યની જનતાએ સિદ્ધારમૈયાને નકારી દીધા છે. તે પોતાનાં અભિગમનાં કારણે અને સતત બધા ઉપર હુમલા બોલાવતા હોવાનાં કારણે હાર્યા છે.
- જી.ટી.દેવગૌડા, જેડી-એસ નેતા
જો હું જીતું તો મારી સખત મહેનતનું પરિણામ અને હારું તો તમામ જવાબદારી ઈવીએમ મશીનની.
- ઓમર અબ્દુલ્લા, એનસી નેતા
આ સત્ય અને વિકાસની જીત છે. લોકચુકાદો અમારી તરફેણમાં છે.
- રવિશંકર પ્રસાદ, ભાજપ
ભાજપની દક્ષિણ ભણી કૂચનો શુભારંભ થયો છે.
- રામ માધવ, ભાજપ
રાહુલ ગાંધી હવે ટૂંક સમયમાં જ લંડનમાં સ્થાયી થઈ જાય તો નવાઈ નહી!
- સુબ્રમણ્યમ સ્વામી, ભાજપ નેતા

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer