એપ્રિલમાં નિકાસ વધી છતાં વેપાર ખાધમાં પણ વધારો


નવી દિલ્હી, તા. 16 : આ એપ્રિલમાં ભારતની નિકાસ ગયા વર્ષના એપ્રિલ કરતાં 5.17 ટકા વધીને 25.9 અબજ ડૉલરની થઈ હતી. એન્જિનિયરિંગ, ફાર્મા, કેમિકલ્સ સહિતના ક્ષેત્રોના સારા દેખાવને પગલે નિકાસ વધી હતી, એમ વેપાર મંત્રાલયના ડેટા પરથી જાણવા મળે છે.
ગયા મહિનામાં (એપ્રિલ) આયાત 4.6 ટકા વધીને 39.6 અબજ ડૉલરની થઈ હતી. આમ આયાત-નિકાસ વચ્ચેનો તફાવત એટલે કે વેપાર ખાધ 13.7 અબજ ડૉલર રહી હતી. જે એપ્રિલ, 2017માં 13.24 અબજ ડૉલર હતી. માર્ચ મહિનામાં મર્ચન્ડાઈઝ નિકાસ નકારાત્મક હતી. નિકાસમાં વૃદ્ધિ નોંધાવનારી કોમોડિટીઝમાં એન્જિનિયરિંગમાં ગુડ્ઝ 17.63 ટકા, કેમિકલ 17.63 ટકા, ફાર્મા 13.56 ટકા, યાર્ન-હેન્ડલૂમ પ્રોડક્ટસ 15.66 ટકા, પ્લાસ્ટિક તથા લિનોલિયમ 30 ટકાનો સમાવેશ થાય છે.
વેપાર ખાધ વધવાનું કારણ ક્રૂડ તેલના ભાવમાં નોંધનીય વધારો મનાય છે. આમ છતાં વેપાર ખાધમાં વૃદ્ધિ સાધારણ રહેવાનું કારણ સોનાની અને ઝવેરાતની નીચી આયાત રહ્યું છે. વેપાર ખાધમાં વધારો રૂપિયાની દૃષ્ટિએ રૂા. 4564.98 કરોડ વધીને રૂા. 90,031.7 કરોડનો થયો ગણાય. જે ગયા વર્ષના એપ્રિલમાં રૂા. 85,466.73 કરોડ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer