શ્રીનગરમાં રમઝાન પ્રદર્શનમાં હિન્દુ પરિવારનો કુરાન સંગ્રહ ઝળકયો


શ્રીનગર, તા. 12 : સાડા ત્રણ દાયકા બાદ આ વર્ષે શ્રીનગરમાં એક મોટું રમઝાન પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શનમાં જમ્મુ સ્થિત એક હિન્દુ વેપારીના દુર્લભ કુરાનોના સંગ્રહ સહિત અમુક જવલ્લે જ જોવા મળતી વસ્તુઓ પ્રદર્શિત કરાઈ હતી.
સુરેશ ઓબરોલ છેક 300 કિ.મી.ના અંતરેથી શ્રીનગરમાં તેમનો પારિવારિક ખજાનો લઈને આવ્યા છે જેમાં ઘેટાં-બકરાં અને વાછરડાંની ખાલ પર સુડોળ અક્ષરમાં લખાયેલી કુરાનની આયતો સહિત કપડું અને કાગળ પર લખાયેલી આયતોનો સમાવેશ થતો હતો.
સુરેશ ઓબરોલ જણાવે છે કે મારા પરદાદા સંગ્રાહક હતા અને તેમણે બે દુર્લભ કુરાન મેળવ્યા હતા. એક કુરાન 1x5 ફૂટના કપડાંના કટકા પર લખાયેલું છે અને બીજું સો વર્ષ પૂર્વે 4.5x5.5 ફૂટની કાગળની શીટ પર લખાયેલું છે. તેમણે 40 કેલિગ્રાફ (સુડોળ અક્ષરમાં લખાયેલી) કૃતિઓ પણ મેળવી હતી. આ પ્રથમ વખત અમે રમઝાન માટે આ કળાકૃતિઓને પ્રદર્શિત કરી છે. આ કળાકૃતિઓને પ્રદર્શિત કરનારો પરિવાર એક સમયે ડોગરા મહારાજા ગુલાબ સિંઘના મહેલોની દેખરેખ કરતો હતો. આ સંગ્રહમાં પાંચ હજાર હસ્તપ્રતો, 25 કિલો જ્વેલરી, 950 મિનિએચર્સ (તદ્દન નાના કદનાં ચિત્રો) અને ગુરુ નાનકના બે પ્રવચનોનો સમાવેશ થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer