બાળકોને સેક્સ એજ્યુકેશનનું સાચું જ્ઞાન આપતી અનોખી ગુજરાતી ફિલ્મ 22 જૂને રિલીઝ થશે

બાળકોને સેક્સ એજ્યુકેશનનું સાચું જ્ઞાન આપતી અનોખી ગુજરાતી ફિલ્મ 22 જૂને રિલીઝ થશે
અમારા પ્રતિનિધિ તરફથી  અમદાવાદ, તા.17 : આજના આધુનિક યુગમાં બાળકોને જાતીયતા સંદર્ભે અનેક મુંઝવતા પ્રશ્નો અંગેની સાચી અને પૂરતી માહિતી કે જાણકારી ઉપલબ્ધ હોતી નથી, જેના કારણે બાળકોમાં સેક્સની અધૂરી અને અધકચરી ગેરમાર્ગે દોરતી સમજણો અને ભ્રામક વાતો તેમને જીવનમાં નહીં  કરવાની ભૂલો અને કૃત્યો કરાવી નાખે છે. જેના કારણે માઠા પરિણામ ખુદ માતા-પિતા અને સમાજે ભોગવવા પડતા હોય છે. આવા સંજોગોમાં બાળકો અને તેમના વાલીઓ માટે એક અંતર દૂર કરી નિખાલસપણે તેમને સેક્સ વિષય પર સાચું જ્ઞાન, માહિતી અને શિક્ષણ-માર્ગદર્શન આપતી સેક્સ એજ્યુકેશન નામની અનોખી ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે આગામી 22 જૂને સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે. આ ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક આજે અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.  આ અવસરે ફિલ્મના ડાયરેકટર પ્રણવ પટેલ, અભિનેતા સમર્થ શર્મા, સંજય પ્રજાપતિ  અને અભિનેત્રી દિવ્યા ભટ્ટે જણાવ્યું હતું કે સેક્સના શિક્ષણ અને માર્ગદર્શન જેવા એક અનોખા અને પડકારજનક વિષય સાથે સૌપ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની ગુજરાતી ફિલ્મનું નિર્માણ થયું છે. કોઇપણ જાતની વલ્ગારીટી વગર આ ફિલ્મ સેક્સ વિશેની ભ્રામક વાતો અને અધકચરા પ્રચારનો છેદ ઉડાડી સાચું જ્ઞાન જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતી અનોખી ફિલ્મ છે. જે સેક્સ એજ્યુકેશનની વાત પ્રશ્નોતરી સ્વરૂપમાં હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. તો વયસ્ક વિદ્યાર્થીઓને સેક્સ તેમ જ શારીરિક વિકાસ સંદર્ભે સાચી માહિતી ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે.   તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શાળાઓમાં પણ સેક્સ એજ્યુકેશન વિષય નથી. શિક્ષકો પણ અભ્યાસક્રમમાં આવતા પાઠને લઇ વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન કે જાણકારી ઉપલબ્ધ કરાવતા નથી. શિક્ષકો ખુદ શરમ અને સંકોચના કારણે વિદ્યાર્થીઓને જિંદગીની કાચી ઉંમરના ઉંબરેથી જ સાચી રાહ ચીંધવાની ફરજમાંથી ચૂકી જાય છે. દરમિયાન ફિલ્મના નિર્માતા કિશોર જાંગીડ અને દીપક જાંગીડે જણાવ્યું હતું કે, સેક્સને લગતા બાળકો અને વિદ્યાર્થીઓના મનમાં ઉઠતા હજારો સવાલોનું સમાધાન આ ફિલ્મમાં આપવાનો પ્રયાસ થયો છે. સેન્સર બોર્ડે પણ તેને વેરી નાઇસ મેકિંગ ગણાવી -એ- સર્ટિફિકેટ આપ્યું છે ત્યારે વડીલો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ અચૂક આ ફિલ્મ નીહાળવી જ રહી કારણ કે વયસ્ક થઇ રહેલા બાળકોને તેમની આંતરિક સમસ્યાઓનો ઉકેલ આ ફિલ્મમાંથી મળી રહેશે અને બાળકો ગેરમાર્ગે દોરાતા અટકશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer