બારડોલીમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું


અમારા પ્રતિનિધિ તરફથી
સુરત/રાજકોટ, તા. 11 : સૌથી વધુ વાહનોની ભીડ નવસારી પાસે જોવા મળી હતી. નવસારીમાં ભારે વરસાદ પડતાં સવારથી સ્કૂલ-કૉલેજોમાં રજા આપી દેવામાં આવી હતી. કલેક્ટરની સૂચનાને પગલે પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવી હતી. નવસારીમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજે બીજા દિવસે પણ યથાવત્ રહેતાં સમગ્ર શહેરમાં કેડ અને ઘૂંટણસમાં પાણી ફરી વળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શહેરમાંથી પસાર થતા રેલવેના ગરનાળામાં વરસાદનાં પાણી ભરાતાં એને બંધ કરવામાં આવ્યું હતું. 
બીજી તરફ બારડોલીમાં મેઘરાજાએ જોરદાર બૅટિંગ કરીને સાડાઆઠ ઇંચ જેટલું પાણી વરસાવ્યું હતું. વરસાદમાં બારડોલીમાંથી પસાર થતી ખાડીમાં બે યુવકો તણાયા હતા જેમાંથી એકને બચાવદળે બચાવી લીધો હતો, જ્યારે એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં ટ્રેન રદ થતાં રેલવેના યાત્રીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા અંતરની ટ્રેનમાં ફસાયેલા પ્રવાસીઓ માટે સ્થાનિક સંસ્થાઓ દ્વારા સુરત, નવસારી, બીલીમોરા, ભેસ્તાન, મરોલી, વાપી, વલસાડ સ્ટેશન પર નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
આજે વેસ્ટર્ન રેલવેએ આઠ ટ્રેનો રદ કરી હતી તેમ જ અનેક ટ્રેનોને ચોક્કસ સ્ટેશનો સુધી જ દોડાવી હતી. અવધ એક્સ્પ્રેસ, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી શતાબ્દી, કર્ણાવતી, ડબલ ડેકર, ફ્લાઇંગ રાણી, વિરાર મેમુ, વલસાડ પૅસેન્જર સહિતની નવ ટ્રેનને રદ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક ટ્રેનોને સુરતના ઉધનાથી ચલાવવામાં આવી હતી. 
નવસારી જિલ્લામાં આજે 268 મિમી, જલાલપોરમાં 250 મિમી, ગણદેવીમાં 172 મિમી, ચીખલીમાં 192 મિમી, વાંસદામાં 118 મિમી અને ખેરગામમાં 182 મિમી વરસાદ પડયો હતો. વલસાડ જિલ્લામાં આજે 184 મિમી, પારડીમાં 148 મિમી, વાપીમાં 129 મિમી, ઉમરગામમાં 113 મિમી, ધરમપુરમાં 102 મિમી અને કપરાડામાં 168 મિમી પાણી પડયું હતું. આહ્વા-ડાંગમાં 81 મિમી, વઘઈમાં 149 મિમી, સુબીરમાં 103 મિમી અને સાપુતારામાં 54 મિમી વરસાદ પડયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer