કેરળમાં વરસાદનો કહેર : 22નાં મૃત્યુ

કેરળમાં વરસાદનો કહેર : 22નાં મૃત્યુ
26 વર્ષ બાદ ઈડુક્કી ડેમના દરવાજા ખૂલ્યા
 
તિરૂવનંતપુરમ્, તા. 9 :  કેરળમાં ચોમાસાની શરૂઆતે ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયા બાદ ફરી એક વખત વરસાદ કહેર બનીને વરસવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના પરિણામે કેરળના વિવિધ વિસ્તારો જળબંબાકાર થયા છે અને વરસાદ તેમજ ભુસ્ખલનના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ઈડુક્કીમાં  ભુસ્ખલનમાં 10, મલપ્પુરમમાં 5, કન્નુરમાં 2 અને વાયનાડ જીલ્લામાં 1નું મૃત્યુ થયું હતું. પરિસ્થિતિ અત્યંત જોખમી બનતા સેના અને નૌકાદળની ટીમો રેસ્ક્યૂ માટે પહોંચી હતી. આ ઉપરાંત કેટલાય વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.  આ દરમિયાન ઈડુક્કી ડેમનું જળસ્તર જોખમી બનતા ઐતિહાસિક ઘટનામાં 26 વર્ષ પછી દરવાજા ખોલવામાં આવ્યા હતા. 
મુખ્યપ્રધાન પિનારાઇવિજયને જણાવ્યું હતું કે, અમે લશ્કર, નૌકાદળ, કોસ્ટગાર્ડ અને એન.ડી.આર.એફ.ની મદદ માંગી છે. પ્રશાસનને હાઇએલર્ટ કરી દેવાયું છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (એન.ડી.આર.એફ.)ની ટીમો રાહત બચાવ કામગીરી માટે તાત્કાલિક દક્ષિણ ભારતીય રાજ્યના અસરગ્રસ્ત ભાગોમાં ધસી ગઇ હતી.  નેવી તરફથી દક્ષિણી નેવલ કમાન્ડે વાયનડમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ચાર ટીમ અને એક સી કિંગ હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ ઉપરાંત સેના તરફથી આયન્નકુલુ, ઈદુક્કી અને વાયનડમાં 75 જવાનોની ટીમ મોકલી હતી. જ્યારે બે ટીમ કોઝિકોડ અને મલયપ્પુરમ રવાના થઈ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer