એનડીએના હરિવંશ સિંહ રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅન ચૂંટાયા

એનડીએના હરિવંશ સિંહ રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅન ચૂંટાયા
હરિવંશને 125 મત, હરીફ કૉંગ્રેસના હરિપ્રસાદને 105 મત મળ્યા
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 9 : રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅનની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં આજે ભાજપની આગેવાની હેઠળના એનડીએના ઉમેદવાર અને જનતા દળ (યુ)ના સાંસદ હરિવંશ નારાયણ સિંહ બહુમતી સાથે જીતી ગયા હતા. આ ચૂંટણીનાં પરિણામ પરથી ફરી એકવાર એ વાત સાબિત થઈ ગઈ છે કે, સંસદના ઉપલા ગૃહમાં પણ મોદી સરકાર મજબૂત છે અને કૉંગ્રેસ ચાહે કેટલા પણ અવરોધ ઊભા કરે કેન્દ્ર સરકારને દેશહિતમાં મહત્ત્વના નિર્ણયો લેતાં તે રોકી શકે તેમ નથી.
આ પદ માટે હરિવંશનો મુકાબલો કૉંગ્રેસના બી.કે. હરિપ્રસાદ સાથે થયો હતો જેમાં હરિવંશને 125 મત જ્યારે હરિપ્રસાદને 105 મત મળ્યા હતા. આ ચૂંટણી કૉંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ માટે જેટલી મહત્ત્વની હતી એટલી જ મહત્ત્વની ભાજપની આગેવાની હેઠળના એનડીએ માટે હતી. હરિવંશની જીત રાષ્ટ્રીય રાજકારણમાં દૂરગામી અસર છોડશે એવું મનાઈ રહ્યું છે.
જનતા દળ (યુ)ના સાંસદ હરિવંશ વરિષ્ઠ સંપાદક અને પત્રકાર રહી ચૂકયા છે અને રાજ્યસભાના સાંસદ બનતા પહેલાં તેઓ બિહાર-ઝારખંડના પ્રસિદ્ધ અખબાર પ્રભાત ખબરના સંપાદક તરીકે કાર્યરત હતા. રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅન બનનારા તેઓ દેશના પ્રથમ પત્રકાર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના પ્રમુખ અમિત શાહ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર વ્યક્તિગત રીતે બીજેડીના વડા નવીન પટનાયક, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલી દળના પ્રકાશસિંહ બાદલ, તેલંગણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ સહિત અન્ય વિપક્ષી નેતાઓ સાથે સંવાદ અને સંપર્ક કર્યો હતો અને હરિવંશ માટે ટેકો માગ્યો હતો.
બીજી તરફ કૉંગ્રેસની આગેવાની હેઠળ યુપીએના બી. કે. હરિપ્રસાદને એવો વિશ્વાસ હતો કે યુપીએના ઘટક પક્ષોનો સાથ અને સમર્થન મળશે, પરંતુ અપેક્ષાનુસાર કેટલાક વિરોધ પક્ષોએ તેમને ટેકો આપ્યો ન હતો. રાજકીય વિશ્લેષકો આને વિરોધ પક્ષના સંભવિત મહાગઠબંધન માટે જોરદાર ઝટકો માની રહ્યા છે. જે લોકો છેલ્લાં ચાર વર્ષથી મોદી સરકાર હટાવો અભિયાનમાં લાગેલા છે તેમને પણ કડક સંદેશ મળી ગયો હશે. આ જીતને 2019ની ચૂંટણી પહેલાં મોદી સરકારની મોટી સફળતાના રૂપમાં જોવામાં આવી રહી છે. આ વિજય માટે હરિવંશને વડા પ્રધાન સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ અભિનંદન આપ્યાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer