• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મૃત્યુ  

ટીવી સિરિયલ સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મીનની ભૂમિકા કરીને લોકપ્રિય થનારી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું હિમાચલ પ્રદેશમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. વૈભવીનો પરિવાર ચંડીગઢમાં રહે છે અને અભિનેત્રી ફિયાન્સ જય ગાંધી સાથે હિમાચલ ફરવા ગઈ હતી. 

વૈભવી અને જય હિમાચલના કુલુથી થોડે દૂર આવેલી તીર્થન વેલીની મુલાકાતે જઇ રહ્યાં હતાં ત્યારે બંજારમાં અકસ્માત થયો હતો. જય કાર ચલાવી રહ્યો હતો અને વૈભવી બાજુમાં બેઠી હતી. તેણે સીટ બેલ્ટ પહેર્યો નહોતો. એક વળાંક પાસે સામેથી આવતી ટ્રકને પસાર થવા દેવા કારને ઢોળાવ પર એક બાજુ ઊભી કરી હતી. ટ્રકની ટક્કર વાગતાં જ કાર ઊછળી અને વૈભવીની તરફનો દરવાજો ખૂલી જતાં તે નીચે ખીણમાં પડી ગઈ. જ્યારે જયે સીટ બેલ્ટ પહેર્યો હતો એટલે તેની ઍરબૅગ ખૂલી ગઈ અને તેને માત્ર બંને હાથે જ ઈજા થઈ હતી. સારાભાઈ વર્સીસ સારાભાઈમાં વૈભવી સાથે કામ કરનારા અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા હતા અને લખ્યું હતું, જીવન ખૂબ અણધાર્યું છે. 

વૈભવી દીપિકા પદુકોણ સાથે ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. આ ઉપરાંત, સીઆઈડી, સ્ટ્રક્ચર, અદાલત, સાવધાન ઈન્ડિયા: ક્રાઈમ ઍલર્ટ, ડિલિવરી ગર્લ, ઈશ્ક કિલ્સ, લેફ્ટ રાઈટ લેફ્ટ જેવી સિરિયલોમાં અભિનય કર્યો હતો. ગુજરાતી નાટકોની લોકપ્રિય કલાકાર વૈભવીની ગુજરાતી ફિલ્મ લોચા લાપસી ટૂંક સમયમાં રજૂ થવાની છે. આથી જ ગુજરાતી ફિલ્મોદ્યોગના કલાકાર મલ્હાર ઠક્કરે ખાસ શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, આપણી ફિલ્મ લોચા લાપસીની રિલીઝ વખતે તમે બહુ યાદ આવશો. સારાભાઈ વર્સીસ સારાભાઈની વૈભવીની સહકલાકાર રૂપાલી ગાંગુલીને ભારે આઘાત લાગ્યો હતો અને તેણે લખ્યું હતું, આટલી જલદી ચાલી ગઈ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ