• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

રૉકી ઓર રાની કી પ્રેમકહાની; જૂની કહાની ફરી એકવાર  

ફિલ્મમેકર કરણ જોહરે પોતાના જન્મદિને આગામી ફિલ્મ રૉકી ઓર રાની કી પ્રેમ કહાનીનાં બે પોસ્ટર રિલીઝ કર્યાં છે. આ પોસ્ટર પરથી તેની વાર્તા વિશે અંદાઝ આવી જાય છે. આમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પોતપોતાના પરિવાર સાથે જોવા મળે છે. આલિયાના પોસ્ટરમાં લખ્યું છે કે, ચેટરજીને મળો. રણવીરના પોસ્ટર પર લખ્યું છે, રંધાવાને મળો. એક પરિવાર બંગાળી અને બીજો પંજાબી છે. સાત વર્ષ બાદ કરણ દિગ્દર્શન ક્ષેત્રે પરત ફર્યો છે, જ્યારે 2019માં રજૂ થયેલી ગલી બૉય્ઝ બાદ રણવીર અને આલિયા આ ફિલ્મમાં સાથે જોવા મળશે. પોસ્ટર રજૂ થયાં પછી જાણવા મળ્યું છે કે રૉકી ઓર રાની કી પ્રેમકહાની બૉલીવૂડ લવ સ્ટોરી છે. આમાં આલિયા મધ્યમ વર્ગીય યુવતીના પાત્રમાં છે, જ્યારે રણવીર શ્રીમંત પરિવારના યુવકની ભૂમિકામાં છે. રણવીર શ્રીમંત ઉદ્યોગપતિ રંધાવા પરિવારના ધનલક્ષ્મી એન્ટરપ્રાઈઝના વારસ છે અને ગુડગાંવમાં તેનો મહેલ જેવું ઘર છે, જેનું નામ વ્હાઈટ હાઉસ છે.

બીજી તરફ, રાની એટલે આલિયા મધ્યમ વર્ગની યુવતી છે જે શ્રીમંત પરિવારના રૉકીના પ્રેમમાં પડે છે. આનાથી રૉકીનાં માતા-પિતા નારાજ થાય છે. આથી વાર્તામાં આગળ આવે છે રૉકી અને રાનીનાં દાદા-દાદી અને નાના-નાની. વડીલોને બાળકોનો પ્રેમ ગમે છે, પરંતુ માતા-પિતા માનતા નથી. હવે? મિયાં બીવી રાજી તો ક્યા કરેગા કાજી એ કહેવત અહીં લાગુ પડશે. આથી એમ કહી શકાય કે બૉલીવૂડની જૂની કહાની નવા સ્વરૂપે જોવા મળશે. આમાં પ્રેમ, પરિવાર અને સંસ્કારોની વાત હશે અને ફિલ્મને કૉમેડી સ્વરૂપમાં ફિલ્માવવામાં આવી છે. આ સાથે જ રણવીર અને આલિયાનાં રોમાન્ટિક દૃશ્યોથી પ્રેક્ષકોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચનને પણ પ્રેક્ષકોને આકર્ષવા જ લેવામાં આવ્યાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ