• શુક્રવાર, 29 માર્ચ, 2024

મોદી સરકારનાં નવ વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં 20 લાખ કરોડની વૃદ્ધિ  

નિફ્ટી અઢી ગણા કરતાં વધારે, માર્કેટકૅપ બે ગણા કરતાં વધારે વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : નરેન્દ્ર મોદીના શાસનકાળના નવ વર્ષમાં શૅરબજારના રોકાણકારોને સારો ફાયદો થયો છે. છેલ્લાં નવ વર્ષમાં નિફ્ટીમાં અઢીગણાં કરતાં વધુ વૃદ્ધિ થઈ છે. માર્કેટ કેપમાં ત્રણ ગણા કરતાં વધુ વધારો થયો છે.

મોદી સરકારનાં નવ વર્ષના શાસન કાળ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂા. 20 લાખ કરોડનો નોંધપાત્ર વધારો થયો છે. નવ વર્ષ દરમિયાન શૅરબજારનું માર્કેટ કેપ રૂા. 20 લાખ કરોડ વધીને રૂા. 28 લાખ કરોડ જેટલું થયું છે.

વર્ષ 2014થી વર્ષ 2023 દરમિયાન નવ વર્ષમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટી માર્કેટમાં 49.21 અબજ ડૉલરની ખરીદી કરે છે. નવ વર્ષમાં માત્ર બે જ વર્ષ દરમિયાન વિદેશી રોકાણકારોની વેચવાલી જોવા મળી હતી. આ સમયગાળામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટી માર્કેટમાં રૂા. 7 લાખ કરોડની ખરીદી કરી છે. નવ વર્ષના સમયગાળામાં માત્ર એક જ વર્ષ 2020માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જોવા મળી હતી.લૉકડાઉનની સ્થિતિની વાત કરીએ તો માર્ચ 2020 બાદ નિફ્ટી-50ની વેલ્યુ વધીને બમણી થઈ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડેક્સ નવા ઊંચા રેકૉર્ડ લેવલે પહોંચ્યો હતો. વર્ષ 2022માં જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં સ્લૉડાઉનની સ્થિતિ હતી ત્યારે પણ ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જળવાઈ રહી હતી.

સેક્ટરલ ઈન્ડાઈસીસમાં 219 ટકા જેટલી વૃદ્ધિ

નવ વર્ષના સમયગાળામાં સેક્ટરલ ઈન્ડાઈસીસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આ ઈન્ડાઈસીસમાં 219 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. નવ વર્ષના સમયગાળામાં આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ અને અૉટોઈન્ડેક્સ સૌથી ઓછો વધ્યો હતો. મોદી સરકારના નવ વર્ષના શાસનકાળ દરમિયાન નિફ્ટી આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ 219 ટકા વધ્યો છે. જ્યારે નિફ્ટી અૉટો ઈન્ડેક્સ 115 ટકા વધ્યો છે.નિફ્ટી ફાઈનેન્શિયલ સર્વિસીસ ઈન્ડેક્સ 216 ટકા, નિફ્ટી બૅન્ક 190 ટકા, નિફ્ટી એમએનસી 186 ટકા, નિફ્ટી એફએમસીજી 177 ટકા, નિફ્ટી ઈન્ડિયા કન્ઝમ્પશન 117 ટકા, નિફ્ટી સર્વિસીસ સેક્ટર 170 ટકા, નિફ્ટી-50 149 ટકા અને નિફ્ટી એનર્જી ઈન્ડેક્સમાં 115 ટકાની વૃદ્ધિ થઈ હતી.