• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ત્રીજી જૂનની મુંબઈ-ગોવા રૂટ પર આઠ કૉચની `વંદે ભારત' દોડશે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 31 : રાજ્યમાં વંદે ભારત ટ્રેનોને મોળો પ્રતિસાદ મળતા કેન્દ્ર મુંબઈ-ગોવા રૂટ પર 16 ડબ્બાવાળી વંદે ભારત ટ્રેનોને બદલે આઠ કોચવાળી વંદે ભારત ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સેવા ત્રીજી જૂનથી શરૂ કરવાની ધારણા છે.

રેલવે સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા દિવસોથી શહેરને જોડતી ચોથી વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને આખરી સ્વરૂપ આપવા દિલ્હીમાં રેલવે બોર્ડ સાથે બેઠકો યોજાઈ રહી છે. `અમને આઠ કારવાળી વંદે ભારત રેક મળી ગઈ છે જે કોંકણ રેલવેમાં મુંબઈ-ગોવા રૂટ પર દોડશે. અમે આ રેકનું પણ ટ્રાયલ રન લેશું. હાલ આ દેશના સમયપત્રકને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને આ બન્ને સ્ટેશનો વચ્ચેનું અંતર 7 કલાકમાં કાપવામાં આવશે,' એમ રેલવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. હાલ મુંબઈથી ટ્રેન દ્વારા મડગાંવ (ગોવા) પહોંચતા સરેરાશ આઠથી નવ કલાકનો સમય લાગે છે.

નવી વંદે ભારત ટ્રેન તેજસ એક્સ્પ્રેસની સરખામણીમાં 45 મિનિટ વહેલી પહોંચશે. અત્યાર સુધી આ રૂટ પર તેજસ સૌથી ઝડપી ટ્રેન રહી છે. રેલવે અધિકારીઓ એવું માને છે કે આ રૂટ પર વધુ સ્ટેશનોએ ટ્રેન ઊભી રખાશે તો તેનો હેતુ માર્યો જશે એટલે જે સ્ટેશનો પર પ્રવાસીઓની માગ વધુ હશે ત્યાં ઊભી રખાશે. દરમિયાન મુંબઈથી ગોવા વચ્ચે 16 કોચની વંદે ભારત ટ્રેનની ટ્રાયલ છેલ્લા કેટલાક દિવસથી ચાલુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ