• શનિવાર, 20 એપ્રિલ, 2024

અમેરિકામાં ભણવા માટે દર પાંચમાંથી એક ભારતીયને મળે છે સ્ટુડન્ટ વિઝા

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 11 : આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જવા માટે સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની હોય છે અને એટલે જ ભારતીય વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન આપવા અમેરિકી દૂતાવાસ તરફથી દેશના જુદાં-જુદાં શહેરોના તેમના કેન્દ્રમાં સ્ટુડન્ટ વિઝાની ઉજવણી કરવામાં આવે છે. 

અમેરિકા જતા ભારતીયોને હાલમાં વિઝા માટે લાંબો સમય રાહ જોવી પડે છે, જેને ઘટાડવા માટે ઘણાં સમયથી માગ કરવામાં આવી રહી છે. પરંતુ ભારતમાં નવા અમેરિકી રાજદૂતની નિમણૂંક બાદ વિઝા આપવાની કામગીરીમાં તેજી આવી છે. યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ જણાવ્યું હતું કે 2022માં જાહેર કરાયેલા દર પાંચ યુએસ સ્ટુડન્ટ વિઝામાંથી એક ભારતનો હતો, જે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ હતો. 

યુએસ એમ્બેસીએ તાજેતરમાં સ્ટુડન્ટ વિઝા ડેની ઉજવણી કરી હતી. આ પ્રસંગે દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં યુએસ મિશનમાં હાજર અધિકારીઓએ લગભગ 3500 ભારતીય વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા. આ પ્રસંગે ભારતમાં અમેરિકાના ચીફ કોઉન્સલ અૉફિસર જોન બલ્લાર્ડ સાથે વાતચીત કરતા જણાવ્યું કે હવે વિદ્યાર્થીઓને પહેલા કરતા વધુ સ્ટુડન્ટ વિઝા અપાયા છે. વિશ્વના અન્ય દેશો કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં આવે છે. 2022માં જાહેર કરાયેલા દર પાંચ યુએસ સ્ટુડન્ટ વિઝામાંથી એક ભારતનો હતો. 

અમેરિકામાં ભણવાનો ક્રેઝ કેમ? 

ભારતીયો માત્ર અમેરિકામાં ભણ્યાં જ નથી, પરંતુ દાયકાઓથી અહીં શ્રેષ્ઠતા મેળવી છે. અમેરિકામાં 4000થી પણ વધુ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ છે. જેમાં દરેક અલગ-અલગ ફિલ્ડના કોર્સેસ ઓફર કરાય છે.