• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

વિરોધ કરનારાને લપડાક  

સંસદ ઉદ્ઘાટનને સુપ્રીમ કોર્ટનું સમર્થન 

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી કરાવવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. કોર્ટે આ સાથે અરજદારને `ફટકારતાં' કહ્યું છે કે જો આવી અરજી બીજી વેળા કરવામાં આવી તો કોર્ટ દંડ પણ ફટકારશે. અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, અમને ખબર છે કે આ અરજી શા માટે કરવામાં આવી છે. કોર્ટે આ સાથે અરજદારને કહ્યું કે આવી અરજીથી કોનું હિત થવાનું છે? આવી અરજીઓની સુનાવણી કરવી અમારું કામ નથી.

વાસ્તવમાં અરજી પાછળ જેઓ છે તેઓની જાણ દેશની જનતાને તો પહેલેથી જ થઈ ગઈ હતી. કોર્ટના નિર્ણય દ્વારા હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ ભવનના ઉદ્ઘાટન માટે લોકસભા- સચિવાલય દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા ઉચિત છે. વિપક્ષે નવા સંસદ ભવનનું નિર્માણ રોકવા માટે કોઈ પ્રયાસ બાકી નહોતા રાખ્યા અને એ દુપ્રચાર કરવામાં પણ સંકોચ નહોતો કર્યો કે નવા સંસદ ભવનના નામે મોદીનો મહેલ બની રહ્યો છે! રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટનનો વિવાદ શરૂ કર્યા પછી રાષ્ટ્રપતિને આમંત્રણ નહીં અપાયાનો મુદ્દો ઉપસ્થિત કરી નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર 20 વિપક્ષોએ પોકાર્યો છે. આમ છતાં સત્તરથી વધુ મુખ્ય પક્ષોએ સમારંભમાં હાજરી આપવા સંમતિ દાખવી `નાક કાપી અપશુકન' કરવા માગતા, બહિષ્કાર કરનારા વિપક્ષોને ભારે આંચકો આપ્યો છે.

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી 

મુર્મુને આમંત્રિત કરવા કે નહીં એ રાજનીતિનો વિષય નથી, વ્યવહારિક્તાથી સંકળાયેલો વિષય છે. આવા વિષયો પર કોઈપણ વ્યવસ્થામાં સતત ચર્ચા થતી રહે છે અને સમયની સાથે તેમાં સુધાર પણ થતા રહે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એ ફરિયાદ પણ સામેલ છે કે રાષ્ટ્રપતિને આવા કાર્યક્રમથી બહાર રાખવા અપમાન સમાન છે અને દાદ માગવામાં આવી હતી કે રાષ્ટ્રપતિને આમંત્રિત કરવાનો નિર્દેશ કેન્દ્ર સરકારને આપવામાં આવે.

ન્યાયતંત્ર જો આવા નિર્ણય લેવા લાગશે તો સ્પષ્ટ છે કે સંસદીય વહીવટી તંત્ર માટે સમસ્યા ઊભી થશે. બહેતર તો એ રહેશે કે સંસદીય વહીવટી તંત્ર આવાં આયોજનો વિશે એક વિગતવાર પ્રોટોકોલ હોય નહીં તો તૈયાર કરે કે ક્યાં કોને આમંત્રણ આપી શકાય. ઓછામાં ઓછા રાષ્ટ્રપતિ અને ગવર્નર માટે આમંત્રણ કે કાર્યક્રમ સંબંધી દિશા-નિર્દેશ સ્પષ્ટ હોવા જોઈએ. કારણ કે રાજકારણની જે દિશા-દશા છે એમાં આવનારા સમયમાં આ પ્રકારના વિવાદ વધતા જશે. આવા દિશા-નિર્દેશ મજબૂરીથી  જો ન્યાયતંત્ર આપવા લાગશે તો પછી સાર્વભૌમ સંસદીય વહીવટી તંત્રને જ ઠેસ પહોંચશે. સુપ્રીમ કોર્ટનો આ સમયોચિત નિર્ણય છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ