• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ચીન-પાકિસ્તાનની નામોશી  

જમ્મુ-કાશ્મીરમાં જી-20 પર્યટન કાર્યસમૂહ (ટીડબ્લ્યુજી)ની બેઠક પહેલાં ચીનની ધાક અને પાકિસ્તાનના દુપ્રચારને અવગણીને દુનિયાના 17 શક્તિશાળી દેશોના 60 પ્રતિનિધિઓએ ભાગ લીધો એ ભારતની ડિપ્લોમેટિક સિદ્ધિ છે. યુરોપિયન યુનિયન સહિત આ દેશોનો બેઠકમાં ભાગ લેવાનો સંદેશ સ્પષ્ટ છે કે તેઓ જમ્મુ-કાશ્મીર હવે વિવાદિત મુદ્દો ગણતા જ નથી. 

છેલ્લી ઘડીએ તુર્કી અને સાઉદી અરબે દૂર રહેવાનું પસંદ કર્યું છે પણ બંને દેશોએ આ સંદર્ભમાં કોઈ પ્રતિકૂળ ટિપ્પણ નથી કરી. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવાના ભારતના નિર્ણય સામે ચીન અને પાકિસ્તાન દુપ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનને તુર્કીનો સાથ મળ્યો હતો.

ચીને જમ્મુ-કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર ગણાવીને કાશ્મીરમાં જી-20 બેઠકોના આયોજનનો વિરોધ કરીને બહિષ્કારની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીર દેશનું અભિન્ન અંગ છે અને ભારતને પોતાના વિસ્તારમાં ક્યાંય પણ બેઠકનું આયોજન કરવાનો અધિકાર છે. આયોજનમાં મોટી ડિપ્લોમેટિક સફળતા મળી છે. અમેરિકા, રશિયા, કૅનેડા, યુરોપિયન યુનિયન, બ્રિટન, જર્મની, દક્ષિણ આફ્રિકા સહિત 17 શક્તિશાળી દેશોના 60 પ્રતિનિધિઓ જોડાયા છે. 

બેઠકમાં યુરોપિયન યુનિયનની ભાગીદારી સૌથી મહત્ત્વની માનવામાં આવે છે. કારણ કે `યુનિયન' અનેક વખત કાશ્મીરમાં કહેવાતા માનવાધિકાર ઉલ્લંઘન અંગે સવાલ કરતું આવ્યું છે. 17 દેશોની ભાગીદારી એ માટે પણ મહત્ત્વની છે કે આ દેશોએ આતંકવાદી ભય છતાં કાર્યસમૂહની બેઠકમાં સામેલ થવા તૈયારી બતાવી છે.

ચીને કાશ્મીરના મામલામાં હંમેશાં પાકિસ્તાનને સાથ આપ્યો છે. પાકિસ્તાની આતંકવાદીઓને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત કરવાની દરેક પહેલમાં અડંગો લગાવ્યો છે, પરંતુ અનેક પ્રસંગે તેને જડબાતોડ જવાબ મળ્યો છે. ચીન પોતાની હરકતોથી એ જ દાખવી રહ્યું છે કે, આતંકવાદના પ્રશ્ને તેના ડબલ સ્ટાન્ડર્ડ છે. ચીને અરુણાચલ પ્રદેશમાં પણ જી-20ની એક બેઠકનો બહિષ્કાર કર્યો હતો પણ ભારત પોતાના નિર્ણય પર અડગ રહ્યું. ભારતની શક્તિ અને નિર્ણાયક વલણની ખાતરી વિશ્વને થઈ ચૂકી છે. કાશ્મીરની બેઠકમાં પાકિસ્તાનને સમર્થન આપનારા દેશોની સંખ્યા અને ભારતના સમર્થક દેશોની સંખ્યા જ પાકિસ્તાન અને ચીનનું નાક કાપવા પર્યાપ્ત છે. પાકિસ્તાનમાં સામાન્ય - આવામ પણ - પાકિસ્તાનની નામોશીની જાહેરમાં હાંસી ઉડાવી રહી છે. કાશ્મીરમાં યોજાતી બેઠકનો બહિષ્કાર કરનારા દેશોએ શું મેળવ્યું? વધુ નામોશી જ વહોરી છે.