• શુક્રવાર, 29 માર્ચ, 2024

ગણવેશ : તઘલખી નિર્ણય

રાજ્યની શાસકીય શાળાઓમાં શિક્ષણ લેનારા 64,28,000 વિદ્યાર્થીઓનો ગણવેશ સીવવા માટે રાજ્ય શાસન કાપડ પૂરું પાડશે એમ શાળા શિક્ષણપ્રધાને જાહેર કર્યું છે. આવતા શૈક્ષણિક વર્ષમાં શાસકીય શાળામાં ભણતા વિદ્યાર્થીઓનાં શરીર પર એક સરખું લાઈટ બ્લૂ રંગનું શર્ટ અને ડાર્ક બ્લૂ રંગનું પૅન્ટ એવો ગણવેશ દેખાશે. બે દશકા પહેલાં બધા વિદ્યાર્થીઓને રાજ્ય સ્તરે ગણવેશ પૂરો પાડવાના નિષ્ફળ પ્રયાસનો અનુભવ લક્ષ્યમાં લેતાં દરેક વિદ્યાર્થી દીઠ શાળાને 300 રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 

શાળા ખૂલવાના પ્રથમ દિવસે નવો ડ્રેસ મળશે એવી અપેક્ષાથી અનેક બાળકો શાળામાં આવશે ત્યારે ગેરવ્યવસ્થાને લઈ પ્રથમ દિવસે જ ગણવેશ મળવાની શક્યતા ધૂંધળી છે. છેલ્લા બે દશકાથી સ્થાનિક સ્તરે શાળાઓને ગણવેશ પૂરો પાડનાર કૉન્ટ્રેક્ટરો હોય છે. માર્ચ-એપ્રિલમાં આ કૉન્ટ્રેક્ટરો શાળાની માગણી અનુસાર અૉર્ડર લેતા હોય છે. લોન લઈને પણ કાપડની ખરીદી કરતા હોય છે. ઉનાળાની રજામાં ગણવેશ સીવી રાખતા હોય છે. આ વર્ષે પણ આવું જ બન્યું છે. લગભગ 80 ટકા ગણવેશ તૈયાર થયા છે ત્યારે શાળાને કાપડ આપવાના અચાનક સરકારી નિર્ણયથી સ્થાનિક કૉન્ટ્રાક્ટર અને રેડીમેઈડનું હૉલસેલમાં વેચાણ કરનારા વેપારીઓને આર્થિક ભીંસમાં મુકાવાનો ભય ઊભો છે.

બીજી બાજુ રાજ્ય સ્તરેથી કાપડ ક્યારે આવશે? તેની ક્વૉલિટી કેવી હશે? સમયસર મળશે? સિલાઈ માટે કેટલું અનુદાન મળશે? આજના જમાનામાં ટેલરિંગની દુકાનો બંધ થવા લાગી છે ત્યારે ગણવેશ કોની પાસે સીવડાવવો? એવા પ્રશ્નોની હારમાળાને લઈ પ્રિન્સિપાલો ચિંતામાં પડયા છે. ગણવેશ મળે નહીં તો શિક્ષકો અને પ્રિન્સિપાલોને વાલીઓના રોષનો સામનો કરવો પડશે. નિર્ણયનો વિરોધ થયા પછી રાજ્ય શાસને એક ગણવેશ સીવડાવવા કાપડ અમે આપીશું, એક ગણવેશ શાળાની મૅનેજમેન્ટ સમિતિ આપે, ત્રણ દિવસ આ અને ત્રણ દિવસ બીજો ગણવેશ વાપરવાનું સૂચવ્યું છે. વાસ્તવમાં આટલો બધો ચંચુપાત અને હસ્તક્ષેપ શા માટે? આ પ્રશ્નોનો ઉત્તર વિદ્યાર્થીઓને અને વાલીઓને મળવો જોઈએ. 

પહેલેથી જ શાસકીય શાળાઓમાં અસંખ્ય અડચણો ઊભી છે. હવે ગણવેશની અનિશ્ચિતતાની અસર થશે તે બાળકોના શિક્ષણ ઉપર હશે. તેમાં પણ જૂન-જુલાઈ અત્યંત મહત્ત્વના હોય છે. નવા દાખલ થનારા, નવેથી આવેલા વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા નિર્માણ કરી તેઓ સાથે સંવાદ સાધી તેઓને ભણતા કરવા, એ સમય દરમિયાન જો શિક્ષકો ગણવેશની ગેરવ્યવસ્થામાં જ અટવાતા હોય તો કેમ ચાલશે? મહારાષ્ટ્રનો શિક્ષણ વિભાગ છેલ્લા અનેક દશકાઓથી ભગવાન ભરોસે ચાલી રહ્યો હોય એવું ચિત્ર છે. જેઓને આ વિભાગ મળે છે તેઓ તેને કમને સ્વીકારતા હોય છે. તેમાં આ વિભાગના `િવભાજન' કરીને રાખવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ કારભારના પહેલેથી જ ચીંથરેહાલ છે. ગણવેશ પ્રકરણથી તેમાં વધારો થવાનો છે.