• શનિવાર, 20 એપ્રિલ, 2024

અફઘાન પરિવારે કરાચીમાં હિન્દુ યુવતીનું અપહરણ અને લગ્ન બાદ ધર્માંતરણ

લઘુમતીઓ માટેના સંગઠન સમક્ષ અવાજ ઉઠાવતાં પ્રકરણ બહાર આવ્યું 

ઈસ્લામાબાદ, તા. 11 : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક અફઘાન પશ્તૂન પરિવાર તરફથી કથિત રીતે અપહરણ કરવામાં આવેલી હિંદુ યુવતી કરાચીમાંથી મળી આવી છે. એક પોલીસ અધિકારી તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. અધિકારીના કહેવા પ્રમાણે આરોપી પરિવારે યુવતીનું કથિત રીતે બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવ્યું હતું અને તેના લગ્ન એક મુસ્લિમ વ્યક્તિ સાથે કરાવી દીધા હતા. 

પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે યુવતીના પરિવાર અને સિંધ પ્રાંતમાં લઘુમતીઓના અધિકાર માટે અવાજ ઉઠાવતા સંગઠન પાકિસ્તાન દહરાવર ઈત્તેહાદ (પીટીઆઈ)એ અપરહણની ફરિયાદ કરી હતી. કહેવામાં આવ્યું છે કે મામલાની તપાસ બાદ પોલીસે એક ટીમને કરાચી મોકલી હતી જ્યાંથી બાળકી મળીઆવી હતી અને તેને મીરપુરખાસ પરત લાવવામાં આવી હતી. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે આરોપી પરિવારે કહ્યું છે કે યુવતીને પોતાની મરજીની ઈસ્લામ કબુલ કર્યો  હતો અને જામો ખાન નામના મુસ્લિમ શખસ સાથે લગ્ન કર્યા છે.

પીડિતા અને આરોપીઓને કોર્ટમા રજૂ કરવામાં આવતા જામો ખાનના વકીલે એક વિવાહ પ્રમાણપત્ર બતાવ્યું હતું.જો કે જામો ખાનને ઓળખ પત્ર બતાવવાનું કહેતા સામે આવ્યું હતું કે તે પાકિસ્તાની નાગરિક નથી પણ અફઘાનિસ્તાનનો છે. આ મામલે યુવતીનું નિવેદન પણ નોંધવામાં આવશે. યુવતીએ અદાલતના પરિસરમાં કહ્યું હતું કે તેનું અપહરણ કરીને કરાચીના એક ઘરમાં લઈ જવામાં આવી હતી અને ઈસ્લામ કબુલ કરવા મજબુર કરી હતી. બાદમાં એક મૌલવી અને અમુક સાક્ષીની હાજરીમાં લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ