• શુક્રવાર, 29 માર્ચ, 2024

મલેશિયા માસ્ટર્સમાં સિંધુ અને પ્રણય સેમિ ફાઇનલમાં  

શ્રીકાંત ક્વાર્ટરમાં હારીને બહાર 

કુઆલાલ્મપુર, તા. 26 : ભારતની સ્ટાર શટલર અને બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ખેલાડી પીવી સિંધુ અને એચએસ પ્રણય મલેશિયા માસ્ટર્સ સુપર-500 બેડમિન્ટન ટુર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે જ્યારે અનુભવી કિદાંબી શ્રીકાંત કવાર્ટર ફાઇનલમાં હારીને બહાર થયો છે. વિશ્વ ક્રમાંકમાં 13મા નંબરની ખેલાડી પીવી સિંધુએ 18મા ક્રમની ચીનની ખેલાડી યિ માન ઝાંગ સામે 21-16, 13-21 અને 22-20થી રસાકસી ભરી જીત મેળવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે જ સિંધુએ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ઝાંગના હાથે મળેલ હારનો હિસાબ પણ બરાબર કર્યોં છે. સેમિમાં સિંધુની ટક્કર ઇન્ડોનેશિયાની ખેલાડી ગ્રેગ્રોરિયા માસ્ટિકા ટી સામે થશે. તેણીએ ક્વાર્ટરમાં અપસેટ કરીને ચીનની બીજા ક્રમની ખેલાડી યિ ઝાંગને 21-18 અને 22-20થી હાર આપી હતી. 

મેન્સ સિંગલ્સમાં નવમા ક્રમના ભારતીય ખેલાડી એચએસ પ્રણયનો સેમિમાં સામનો ક્રિસ્ટિયન અડિનાટા સામે થશે. તેણે અપસેટ કરીને કિદાંબી શ્રીકાંતને 16-21, 21-16 અને 21-11થી હાર આપી હતી. પ્રણયે ક્વાર્ટર ફાઇનલમાં જાપાની ખેલાડી કેંતા નિશિમોતાને 25-23, 18-21 અને 21-13થી રોમાંચક હાર આપી હતી.