• ગુરુવાર, 28 માર્ચ, 2024

દિગ્ગજ શૅરોમાં લેવાલીથી સૂચકાંકો પાંચ મહિનાની ઊંચાઈએ  

રિલાયન્સ ઇન્ડ.એ તેજીનું નેતૃત્વ કર્યું 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : શુક્રવારે એફ ઍન્ડ ઓની જૂન સિરીઝનો સકારાત્મક શુભારંભ થયો હતો. આજે બજાર પાંચ મહિનાની ઊંચાઈ પર પહોંચ્યું હતું. સેન્સેક્ષ 629.07 પૉઇન્ટ્સ (1.02 ટકા) વધીને 62,501.69 પૉઇન્ટ્સ ઉપર પહોંચ્યો હતો. નિફ્ટી 178.10 પૉઇન્ટ્સ (0.97 ટકા) વધીને 18,499.30 પૉઇન્ટ્સ ઉપર બંધ આવ્યો હતો. સમગ્ર સપ્તાહમાં સેન્સેક્ષ 1.2 ટકા અને નિફ્ટી 1.6 ટકા વધ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ વિવિધ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓના શૅરની ભરપૂર ખરીદીને કારણે આજે બજારે મંદીવાળાને જરા પણ મચક આપી ન હતી. વૈશ્વિક બજારોની મજબૂતીને પગલે બજાર ઉપરમાં ખૂલ્યું હતું અને સાર્વત્રિક રીતે વધ્યું હતું.

નિફ્ટીના શૅરોમાં મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, ડિવિઝ લૅબ, હિન્દ યુનિલિવર અને હિન્ડાલ્કો સૌથી અધિક વધ્યા હતા, જ્યારે ઓએનજીસી, ગ્રાસીમ, બજાજ અૉટો, ભારતી ઍરટેલ અને પાવરગ્રીડના ભાવ વધ્યા હતા. આજે દરેક સૂચકાંકો સકારાત્મક હતા. મેટલ, એફએમસીજી, આઈટી, રિયાલ્ટી, ફાર્મા અને પીએસયુ બૅન્ક એમ દરેક સૂચકાંક 1-1 ટકો વધ્યા હતા. બીએસઈ મિડકૅપ ઇન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકૅપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યા હતા.

ઇન્ફો એજ, ઝી એન્ટરટેઇનમેન્ટ અને ક્યુમિન્સ ઇન્ડિયામાં લોંગ બિલ્ડઅપ હતું, જ્યારે પેજ ઇન્ડસ્ટ્રીઝ, ભેલ અને ગ્લેનમાર્ક ફાર્મામાં શોર્ટ બિલ્ડઅપ હતું. પેજ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફો એજમાં 200 ટકાથી વધુ વોલ્યુમ વધ્યું હતું.

આજે 150 કરતાં વધુ શૅરના ભાવ પર સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યા હતા, જેમાં એબીબી ઇન્ડિયા, એપ્ટેક, બજાજ અૉટો, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ક્યુમિન્સ ઇન્ડિયા, હેરિટેજ ફૂડ્ઝ, આઈડીએફસી ફર્સ્ટ બૅન્ક, વોલ્ટેમ્પ ટ્રાન્સપોર્મર્સ અને ટીવીએસ મોટર કંપનીનો સમાવેશ થાય છે.

શુક્રવારે બજાર લગભગ એક ટકો વધ્યું હતું અને જૂન મહિનાની નવી સિરીઝનો મજબૂત પ્રારંભ કર્યો હતો. બજારમાં સાર્વત્રિક લેવાલી હતી તેમ છતાં એફએમસીજી, આઈટી અને રિયાલ્ટીના શૅરો સૌથી વધુ વધ્યા હતા. વિસ્તૃત બજારમાં સુધારો હતો અને મિડકૅપ ઇન્ડેક્સ વિક્રમ ઊંચાઈ પર પહોંચ્યો હતો.

અમેરિકન બજારોમાં સ્થિતિ સુધરતા આઈટી ક્ષેત્રના શૅરોની ખરીદી વધી હતી, જેના કારણે ભારતીય બજારમાં જરૂરી ઇચ્છિત સુધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શૅરના ભાવ ઊંચકાતા બજારની મજબૂતી વધી હતી. ટેક્નિકલી જોઈએ તો નિફ્ટીએ નિર્ણાયકતાથી 18,400ની સપાટી કૂદાવી છે એટલે હવે ટૂંક સમયમાં નિફ્ટી 18,700ની સપાટીને સ્પર્શે તેવી સંભાવના છે, એમ રેલિગેર બ્રોકિંગના અજિત મિશ્રાએ જણાવ્યું હતું.

નિફ્ટીએ આજે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. નિફ્ટીનું સકારાત્મક વલણ તેજીના ખેલાડીઓ માટે પ્રોત્સાહક હતું. નિફ્ટીનું 18,888નું અૉલટાઇમ હાઈ લેવલ તેના મુખ્ય અવરોધ છે. 18,203 તેનો મુખ્ય સપોર્ટ છે. આઈએમડીએ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવી આગાહી કરી તેના કારણે બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

આજે બૅન્ક નિફ્ટી 336.60 પૉઇન્ટ (0.77 ટકા) વધીને 44,018 પૉઇન્ટ પર બંધ રહ્યો હતો. 44,152 પૉઇન્ટ તેનું અૉલટાઇમ હાઈલેવલ છે.