• શુક્રવાર, 29 માર્ચ, 2024

બેઝિક કેમિકલ્સ માટે પીએલઆઈ સ્કીમ રજૂ થશે : માંડવિયા  

નવી દિલ્હી, તા. 26 (પીટીઆઈ) : કેન્દ્રના કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર ખાતાના પ્રધાન મનસુખ માંડવિયા ફાર્મા અને મેડિકલ સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગને સસ્તા દરે ગુણવત્તાસભર વસ્તુઓનું ઉત્પાદન કરવાની હાકલ કરી હતી અને બેઝિક કેમિકલ્સ માટે પ્રોડક્ટ લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ લાવવાની કેન્દ્ર સરકારની યોજના હોવાનું જાહેર કર્યું હતું. 

ફાર્મા અને મેડિકલ ડિવાઈસ સેકટરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે મોદી સરકાર ગરીબ નાગરિકો અને ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ તે સાથે ઉદ્યોગ માટે પણ અનુકૂળ વલણ ધરાવે છે. તમામ પૉલિસીઓ ઉદ્યોગ અને સંબંધિત વર્ગો સાથે દીર્ઘ ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.ભારત વિશ્વનું ફાર્મસી કેન્દ્ર છે. ઉદ્યોગોએ નવા સંશોધન ઉપર ધ્યાન આપવાની સાથે વિશ્વભરમાં થઈ રહેલા વિકાસથી પણ જાગૃત રહે જેથી આપણે નેતૃત્વને ટકાવી શકીએ, એમ તેમણે જણાવી ઉમેર્યું હતું કે ભારતે આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર રહેવું જોઈએ.

વૈશ્વિક સ્પર્ધામાં વિજય હાંસલ કરવા આપણે સસ્તાં અને ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો આપવાં પડશે અને તેના દ્વારા આપણે આપણી શાખને વધારી શકીશું એમ માંડવિયાએ જણાવ્યું હતું.ફાર્મા અને તબીબી ઉપકરણોના ઉત્પાદનોમાં ગુણવત્તા બહેતર બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને સફળ બનાવવા ફાર્મા ઉદ્યોગ સહકાર આપે તેવી અપેક્ષા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગુણવત્તા જાળવવામાં કોઈ પણ ગફલત થાય તો વૈશ્વિક સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જવાનું જોખમ છે અને સરકાર આ ઉદ્યોગ સામે કઠોર પગલાં ભરવા માગતી નથી, એમ માંડવિયાએ ઉમેર્યું હતું.આ ક્ષેત્ર માટે સરકારે પીએલઆઈ-વન અને પીએલઆઈ-ટુ સ્કીમ્સ રજૂ કરી છે. જેથી સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર આત્મનિર્ભર બને અને નિકાસને પણ વેગ મળી શકે. હવે એમ બેઝિક કેમિકલ્સ માટે પણ પીએલઆઈ રજૂ કરીશું, એમ માંડવિયાએ ઉમેર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક